Jamnagar News : જામનગરમાં SIR કામગીરી દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. મસીતીયા શાળામાં સેવા આપતી મહિલા શિક્ષિકા અને BLO તરીકે ફરજ બજાવતી હિરલબેન ત્રિવેદીની તબિયત અચાનક લથડી ગઈ હતી. આ ઘટના જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં SIR કાર્ય દરમિયાન બની હતી. ફરજ બજાવતી વખતે હિરલબેન અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર માટે તેમને જી જી હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ BLO ફરજ દરમિયાનની દબાણભરી પરિસ્થિતિ અંગે ચર્ચા ઉભી કરી છે.
BLO પર કામનું 'ભારે ભારણ'!
આ વચ્ચે રાજ્યમાંથી બીજી ચિંતાજનક ઘટના પણ સામે આવી છે. સુરત મનપામાં કામ કરતી 26 વર્ષની BLO ડિન્કલ શીંગોડાવાલા તેમના ઘરે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્પિટલ લઈ જતાં પહેલા જ તેમનું મૃત્યુ થયાનું જણાયું, જેના કારણે શંકાસ્પદ મોત અંગે પ્રશ્નો ઊભા થયા છે. પરિવાર અને સહકર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માનસિક દબાણનો આક્ષેપ
અમદાવાદમાં પણ એક BLO મહિલાની તબિયત લથડી ગઈ હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે રાજ્યમાં સતત BLO ફરજ બજાવતા કર્મચારીઓની તબિયત પર અસર પહોંચતી હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. SIR અને BLO કામગીરી દરમિયાન વધતી જવાબદારીઓ, લાંબા કલાકોની ફરજ અને માનસિક દબાણને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. એક જ દિવસમાં જામનગર, સુરત અને અમદાવાદમાં BLO મહિલાઓ સાથે ઘટેલી આ ઘટનાઓને પગલે રાજ્યમાં ચર્ચા તેજ બની છે કે BLO ફરજ દરમ્યાન યોગ્ય સુવિધાઓ અને આરોગ્ય સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક જરૂર છે.




















