Rajkot Crime: રાજકોટ શહેરમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. ભગવતીપરા વિસ્તારના કોપરગ્રીન સોસાયટી પાસે 33 વર્ષીય સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સ્નેહાબેન પોતાના પતિને “પાણીપુરી ખાવા જઈ રહી છું” કહી ઘરેથી નીકળી હતી અને પતિને કહ્યું હતું કે “ફેક્ટરીમાંથી આવો ત્યારે મને લઇ જજો”. પરંતુ થોડા જ સમય બાદ તેમનો મૃતદેહ રસ્તા પાસે મળ્યો હતો. શરીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયાના નિશાન મળતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્નેહાબેન પોતાના પતિ સાથે કોપરગ્રીન સોસાયટીમાં રહેતા હતા અને તેમના ઘરના નજીક જ મૃતદેહ મળતા કેસ વધુ ગંભીર બન્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ હવે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ તેમજ સ્નેહાબેનના છેલ્લા સંપર્કોને આધારે તપાસને આગળ ધપાવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હત્યા કેવી રીતે અને શા માટે થઈ તેની દિશામાં ઝડપી તપાસ ચાલી રહી છે.




















