નેત્રંગના દુષ્કર્મમાં ભોગ બનેલી 10 વર્ષીય બાળકી આખરે સારવાર દરમિયાન જીવનની જંગ હારી ગઈ છે. રૂપઘાટ ગામના એક યુવાને આ નાબાલિક દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના તે સમયે બની હતી જ્યારે બાળકી રસ્તા પર મળતાં આરોપીએ તેને ગામ તરફ છોડવાની વાત કહી હતી, પરંતુ રસ્તામાં ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ભયાનક ઘટનાની સમગ્ર હકીકત બાળકી પોતાના કાકીને કહી હતી, ત્યારબાદ તરત જ તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી.
આખરે જીવન સામેની જંગ હારી
બાળકીની તબિયત ગંભીર થતા પહેલા તેને રાજપીપળાની હોસ્પિટલમાં દાખલ કરાઈ, પરંતુ પરિવારના આક્ષેપ મુજબ 5 દિવસ સુધી યોગ્ય સારવાર મળી નહોતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને એસ એસ જી હોસ્પિટલ વડોદરામાં ખસેડવામાં આવી, જ્યાં છેલ્લા અનેક દિવસોથી સારવાર ચાલી રહી હતી. પરંતુ આજે બાળકીની હાલત વધુ બગડતા તે આખરે જીવન સામેની જંગ હારી ગઈ.
પરિવારનો પોલીસ પર ગંભીર આરોપ
પરિવારે આ કેસમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનો જણાવે છે કે, “12 દિવસ સુધી અમે સારવાર માટે રઝડતા રહ્યા. પોલીસ અમને સહકાર આપ્યો હોત તો દીકરી આજે જીવતી હોત.” પરિવારની ગંભીર આક્ષેપ અનુસાર 'નેત્રંગ પોલીસના જમાદારે તેમને કહ્યું હતું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય અને પ્રથમ તો તેમને આ કહ્યુ હતું કે દીકરી તો સહી સલામત છે, કશું થયું નથી.”
“જેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે છે દુખ...”
દુષ્કર્મ પીડિત બાળકી ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. પરિવારના શબ્દોમાં “જેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે છે દુખ કેટલી મોટું છે.” આજે બાળકીના મોત બાદ પરિવારમાં શોક અને રોષ વ્યાપ્યો છે. પરિવાર દ્વારા આરોપીને કડક સજા કરવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે. નેત્રંગની આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અસંતોષની લાગણી ફેલાવી દીધી છે.




















