જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ આખરે 80 કલાક બાદ સહીસલામત મળી આવ્યા છે. તેમને ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા બાદ તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિની તપાસ માટે તબીબી ટીમ દ્વારા પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે.
બાપુને શોધવા મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું
માહિતી મુજબ મહાદેવભારતી બાપુ 2 નવેમ્બરની વહેલી સવારના 3.47 વાગ્યે આશ્રમમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે 5 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેના બાદ આશ્રમ અને સમગ્ર વિસ્તારના સંત સમાજમાં ચકચાર મચી ગઈ હતી. બાપુ ગુમ થતાં જ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેમને શોધવા માટે વિશાળ સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું.
8 પોલીસ ટીમો તપાસમાં જોડાઈ હતી
આ તપાસમાં કુલ 8 પોલીસ ટીમો, 240થી વધુ પોલીસ કર્મચારીઓ, 40 SDRF જવાનો, તેમજ 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. ગીરનારના પર્વતીય વિસ્તારમાંથી લઈને જટાશંકર મંદિર વિસ્તાર સુધી સઘન શોધખોળ કરવામાં આવી હતી.
બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવ્યા
80 કલાકની કઠિન શોધખોળ બાદ બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવ્યા હતા. બાપુ મળી આવ્યા બાદ મહામંડલેશ્વર હરિહરાનંદ, ઇન્દ્રભારતી બાપુ સહિત અનેક સાધુ-સંતો તરત જ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. જૂનાગઢમાં હવે રાહતનો માહોલ છે, કારણ કે અનેક અનુયાયીઓ અને સંતસમાજ છેલ્લા ચાર દિવસથી ચિંતામાં હતાં. બાપુ સહીસલામત મળતાં આશ્રમ અને શહેરમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.





















