સુરત શહેરના રાજકીય વર્તુળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સુરત મહાનગરના ખજાનચી શૈલેષ જરીવાલા અને વરાછા વિસ્તારના સક્રિય કાર્યકર્તા દિનેશ સાવલિયા વચ્ચે પાર્ટીના કાર્યાલયની અંદર ઉગ્ર વિવાદ થયો અને આખરે તે મારામારી સુધી પહોંચી ગયો છે.
બે નેતા વચ્ચે છૂટા હાથે મારામારી
ઘટના મુજબ પાર્ટી કાર્યાલયમાં ચા-નાસ્તાની વ્યવસ્થા અંગે દિનેશભાઈ સાવલિયા અને પટાવાળા વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. આ બાબતની જાણ પટાવાળાએ સીધી રીતે ખજાનચી શૈલેષ જરીવાલાને કરી હતી. ત્યારબાદ શૈલેષભાઈએ દિનેશભાઈ સાથે આ મુદ્દે ઉગ્ર વાતચીત શરૂ કરી અને વાત લફડામણ સુધી પહોંચી ગઈ હતી. વિવાદ દરમિયાન શૈલેષભાઈએ દિનેશભાઈને કહેલું કે, "હું ખજાનચી છું અને મારે જ બધું જોવું પડે છે, અહીં વધારે આંટાફેરા નહીં માર." આ વાતથી ઉશ્કેરાઈને દિનેશભાઈ સાવલિયાએ શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો મારી દીધો હતો. વિવાદ એટલો ઉગ્ર હતો કે બંને વચ્ચે છૂટા હાથે મારામારીની સ્થિતિ સર્જાઈ હતી.
શહેર ભાજપ પ્રમુખે નોટિસ પાઠવી
આ સમગ્ર બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે તરત જ કાર્યવાહી કરી હતી. તેમણે બંને નેતાઓને નોટિસ પાઠવીને લેખિતમાં ખુલાસો માંગ્યો છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે "કસુરવા સામે યોગ્ય પગલાં લેવામાં આવશે અને પક્ષની શિસ્તભંગ સહન કરાશે નહીં. આ ઘટનાથી ભાજપના આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે.