મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ-9માં અભ્યાસ કરતી એક સગીરા પર ચાર દિવસના ગાળામાં 6 જેટલા નરાધમોએ વારંવાર સામુહિક દુષ્કર્મ આચર્યો છે. આ કેસમાં પોલીસે અત્યંત ઝડપથી કાર્યવાહી કરીને તમામ 6 આરોપીઓને દબોચી લીધા છે. સગીરાને ધમકી આપવામાં આવી હતી, પરંતુ પરિવારની હિંમતથી આખો મામલો સામે આવ્યો છે. ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો
સગીરા જન્મદિવસનું કહીને ઘરેથી નીકળી
4 ઓક્ટોબર, 2025ના રોજ. વિસનગરની એક શાળામાં ધોરણ-9માં ભણતી સગીરા પેપર આપીને સાંજે ઘરે આવી હતી. તેની બહેનપણી એ તેને રાત્રે નવ વાગ્યે ત્રણ ટાવર પાસે મળવા બોલાવી હતી. સગીરા તેની માતાને બહેનપણીના જન્મદિવસનું કહીને ઘરેથી નીકળી હતી.ખેતરમાં લઈ આચર્યું દુષ્કર્મ
એવામાં, રાત્રે આશરે સાડા નવ વાગ્યે ત્રણ ટાવર નજીક બે છોકરાઓ બુલેટ લઈને આવ્યા, તેઓએ સગીરાને બેસાડી આંટો મારવા જવાનું કહ્યું હતું. વિશ્વાસ મૂકીને સગીરા તેમની સાથે બેસી ગઈ. ત્યાર બાદ આ બન્ને છોકરાઓ તેને કન્યા વિધાલય થઈ, ઉમિયા માતાજીના મંદિર આગળ થઈ પીંડારીયા તળાવની બાજુના રોડે લઈ ગયા હતા. ત્યાં એક અંધારી જગ્યાએ ખેતરમાં લઈ જઈને બુલેટ ચલાવતા પવન ઠાકોર અને પાછળ બેઠેલા વિજય ઠાકોરએ વારાફરતી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના આટલે જ અટકતી નથી. નરાધમોની સંખ્યા વધી અને બદલાયું સ્થળ, પ્રથમ બે આરોપીઓ ગયા પછી, ત્યાં રાજ ઠાકોર નામનો ત્રીજો છોકરો આવ્યો. રાજ ઠાકોરે પણ સગીરાની ના હોવા છતાં તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. રાજ ઠાકોરના ગયા બાદ તરત જ તેના કાકાનો દીકરો હોવાનું જણાવીને ચોથા એક ઇસમે પણ સગીરા સાથે બળજબરી કરી હતી.
લિફ્ટના બહાને ઓફિસમાં લઈ ગયા
ત્યારબાદ રાજ ઠાકોર અને એક બીજો ઇસમ સગીરાને એક્ટિવા પર બેસાડીને આશરે રાત્રે બાર વાગ્યે ત્રણ ટાવર પાસે ઉતારીને જતા રહ્યા. ભયભીત સગીરા ત્યાંથી ચાલીને ઘરે જઈ રહી હતી, ત્યારે સોહમ નામનો પાંચમો યુવક એક્ટિવા લઈને આવ્યો. તેણે ઘરે મૂકી જવાની વાત કરીને સગીરાને એક્ટિવા પર બેસાડી. જોકે, ઘરે મૂકવાના બદલે તે તેને પીંડારીયા તળાવ થઈને પવનની ઓફિસમાં એક રૂમમાં લઈ ગયો. ત્યાં ફરીથી રાજ ઠાકોર અને સોહમે વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
કંસારાપોળમાં આવેલા ઘરે લઈ ગયો
એટલું જ નહી ત્યારે બાદ સોહમ સગીરાને ત્રણ ટાવર પાસે ઉતારીને જતો રહ્યો. ત્યાંથી ચાલતી સગીરા આદર્શ હાઈસ્કૂલ પહોંચી. ત્યાં તેને પ્રકાશ મોદી અને અન્ય એક છોકરો મળ્યા. પ્રકાશ મોદીએ તેને ઘરે મૂકી જવાનું બહાનું આપીને એક્ટિવા પર બેસાડી. માયા બજારમાં બીજા ઇસમને ઉતારીને પ્રકાશ મોદી સગીરાને તેના કંસારાપોળમાં આવેલા ઘરે લઈ ગયો હતો.પ્રકાશ મોદીએ સગીરાને બે રાત અને બે દિવસ સુધી તેના ઘરમાં રાખી અને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું. ધમકીઓ અને ડરના કારણે સગીરા કોઈને કંઈ કહી શકી નહોતી. તારીખ 06 ઓકટોબર 2025 ના રોજ પ્રકાશ મોદીના મિત્ર દેવે સગીરાને ઇલેક્ટ્રિક સ્કૂટર પર બેસાડી દરબાર રોડ શાકમાર્કેટ પાસે ઉતારી દીધી, જ્યાંથી તે આશરે બાર વાગ્યે ઘરે પહોંચી હતી.
ભયના કારણે ઘરે આવ્યા બાદ સગીરાએ પહેલા સાચી વાત ન જણાવી, પરંતુ માતા-પિતાએ હિંમત આપતાં તેણે સમગ્ર સત્ય જણાવ્યું. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ, પ્રકાશ મોદી સહિત દુષ્કર્મ આચરનાર તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને સામુહિક દુષ્કર્મ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.