અરબ સાગરમાં બનેલું વાવાઝોડું હવે તેની શક્તિ ગુમાવી ચૂક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમના પ્રભાવને કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે તાજા અહેવાલમાં જણાવ્યું છે કે આ વાવાઝોડાની હવે ગુજરાત પર કોઈ સીધી અસર રહેશે નહીં. જોકે, ઉત્તરપશ્ચિમ દિશામાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન–અફઘાનિસ્તાનની વચ્ચે આવેલી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજી ગાજવીજ સાથે વરસાદની શક્યતા યથાવત છે.
હવામાન વિભાગ મુજબ, ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ હવે ગુજરાતમાં અનુકૂળ બની રહી છે.
વાવાઝોડું નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાયું
7 ઑક્ટોબરની સાંજે મળેલી માહિતી મુજબ, અરબ સાગરમાં રહેલું ડિપ્રેશન (શક્તિ વાવાઝોડું) પશ્ચિમ મધ્ય ભાગમાં નબળું પડીને વેલ માર્ક લો પ્રેશર તરીકે પરિવર્તિત થયું છે. આજે, 8 ઑક્ટોબરની સવાર સુધીમાં તે વધુ નબળું બનીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે.
હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં આગળ વધી રહી છે. 7 ઑક્ટોબરે તે મસીરાહ (ઓમાન)થી લગભગ 270 કિમી દક્ષિણપૂર્વમાં, રાસ અલ હદ્દ (ઓમાન)થી 390 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, અલ-ગૈદાહ (યમન)થી 970 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, કરાચી (પાકિસ્તાન)થી 940 કિમી દક્ષિણપશ્ચિમમાં, દ્વારકાથી 950 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને નલિયાથી 970 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું.
ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હાલમાં વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુર પરથી પસાર થઈ રહી છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાતના બાકીના વિસ્તારો, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ બનશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો પ્રભાવ
ઉત્તર રાજસ્થાન અને નજીકના હરિયાણા પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે ઉપલા અપર એર સર્ક્યુલેશન સાથે ઉત્તરપશ્ચિમ દિશામાં વિસ્તરેલું છે. તેના કારણે હજી ગુજરાતમાં વિખૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સ્કાયમેટ વેધર મુજબ, અરબ સાગરમાં રહેલું ચક્રવાતી વાવાઝોડું હવે નબળું પડી ગયું છે. આ દરમિયાન, 8 ઑક્ટોબર આસપાસ ઉત્તર બંગાળની ખાડી પર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ સિસ્ટમ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ત્યાં જ ટકી શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળી પડી શકે છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની પ્રવૃત્તિ સામાન્ય રીતે 10 ઑક્ટોબર પછી ચાલુ રહે છે અને આશરે 15 ઑક્ટોબર સુધી સમાપ્ત થાય છે.
ગુજરાત માટેની આગાહી
અમદાવાદ હવામાન વિભાગે બહાર પાડેલા તાજા વેધર મેપ મુજબ, આજે 8 ઑક્ટોબરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ક્યાંય પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી.
હવામાન વિભાગની આગાહી મુજબ, 9 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે 10 ઑક્ટોબરથી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.