આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની રોડ મુદ્દે પદયાત્રા બાદ નર્મદા ભાજપમાં રાજકીય માહોલ ગરમાયો છે. આપ નેતાનો વિરોધ ભાજપના આંતરિક વિખવાદનું કારણ બન્યો છે. આ મુદ્દે ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.
''દર્શનાબેન જેવા લોકો ચૈતર વસાવાને બચાવવાનો પ્રયાસ...''
સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આમને સામને આવી ગયા છે. મનસુખ વસાવાએ મોટો આક્ષેપ કરતા કહ્યું કે, 'ચૈતરને ભાજપમાં લાવવા દર્શનાબેન 'લોલીપોપ' આપે છે' અને વધુમાં ઉમેર્યું કે, ''દર્શનાબેન જેવા લોકો ચૈતર વસાવાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે"
''...જો આવશે પણ, તો ભાજપને નુકસાન કરશે''
મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું કે,"ઘણી જગ્યાએ એવું બોલાય છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મારા મનસુખભાઈનો હાથ છે. પણ સત્ય એ છે કે ચૈતર ક્યારેય ભાજપમાં આવવાના નથી – અને જો આવશે પણ, તો ભાજપને નુકસાન કરશે"
"મારે કોઈ ખુલાસો આપવાનો નથી"
બીજી તરફ, જ્યારે દર્શનાબેન પાસે પ્રશ્ન કરાયો તો તેમણે ટૂંકું કહેતાં કહ્યું કે, "મારે કોઈ ખુલાસો આપવાનો નથી" સાથે જ ચૈતર વસાવાની પદયાત્રાને તેમણે 'નાટકબાજી' ગણાવી આક્ષેપ કર્યો હતો કે, "ધારાસભ્ય હોવા છતાં ચૈતરભાઈને ફોરેસ્ટ વિભાગના નિયમોની ખબર હોવી જોઈએ, છતાં તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ માત્ર રાજકીય રોટલો શેકવા માટે આવી પદયાત્રા કરી રહ્યા છે" તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "AAPના કાર્યકરો જ રોડના કામ માટે RTI કરે છે અને પછી પાછી ખેંચી લે છે."