સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદી અજય પરમારના મોતનો મામલે ગંભીર વળાંક આવ્યો છે. 26 મે 2024ના રોજ અજય પરમારનું મોત થયાં બાદ હવે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતક અજય પરમારને ભરણ પોષણના કેસમાં અદાલતે 35 મહિનાની જેલની સજા ફટકારી હતી. 24 મે 2024ના રોજ જ તેમને ₹1.75 લાખના બાકી ભરણ પોષણ મામલે જેલમાં મોકલાયા હતા. જે બાદ તેમના મૃત્યુની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.
જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
જેલ પ્રશાસનનું કહેવું છે કે, અજય પરમારને બીમાર જણાઈ આવતા સાબરમતી જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે અજયના શરીર પર મારના અનેક નિશાન જોવા મળ્યા હતા.
મારઝૂડના કારણે કેદીનું મોત!
પીએમ અને એફએસએલ રિપોર્ટના આધારે જાણવા મળ્યું કે મૃતકના શરીર પર અંદાજે 27 થી 28 ઇજાઓ જોવા મળ્યાં છે, જે દર્શાવે છે કે તેમને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. ડોક્ટરોએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે મારઝૂડના કારણે જ મોત થયું હોવાનું જણાય છે.
પોલીસે તપાસ હાથધરી
હવે રાણીપ પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે. જેલ બેરેકમાં લગભગ 25 થી 30 કેદીઓ રહેતા હોય છે, જેથી તટસ્થ તપાસ માટે CCTV ફૂટેજ ચકાસણી કરાશે તેમજ જેલના કર્મચારીઓ અને અન્ય કેદીઓના નિવેદન લેવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે દોષિત જણાશે તેવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.