સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ ઝેઝરી ગામ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ધામા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારના વાહનને ડમ્પર સાથે અકસ્માત નડતા ચાર મહિલાઓનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે, જ્યારે કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ચાર મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ, અકસ્માત લખતર તાલુકાના ડેરવાળા ગામના વતની અને હાલમાં અમદાવાદમાં રહેતો પરિવારને નડ્યો છે. પરિવારના સભ્યો માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા અને દર્શન બાદ પરત ફરતી વેળાએ ઝેઝરી ગામ નજીક તેમની કાર અને ડમ્પર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં કારમાં બેઠેલી ચાર મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
પોલીસે તપાસ હાથધરી
અકસ્માતની જાણ થતા પાટડી પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અંદાજ મુજબ વાહનની ઝડપ અને અચાનક બનેલી પરિસ્થિતિ અકસ્માત પાછળનું કારણ હોઈ શકે છે. આ દુઃખદ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.