logo-img
Farmers Requested To Register To Sell Cotton At Support Price

ભારત સરકારે કપાસ માટે ટેકાનો ભાવ જાહેર કર્યો : તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા સૂચના આપી: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ભારત સરકારે કપાસ માટે ટેકાનો ભાવ જાહેર કર્યો
Published by: Offbeat Team
| Last Updated: Oct 07, 2025, 03:25 PM IST

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની કહ્રીડી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્ય સહિત ભારતીય ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ટેકાનો ભાવ જાહેર કર્યો

કૃષિ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ સારો હોવાથી કપાસનું પુષ્કળ વાવેતર થયું છે અને કપાસની પરિસ્થિતિ પણ એકંદરે સારી જોવા મળી છે, જેથી રાજ્યમાં કપાસનું ઉત્પાદન પણ પુષ્કળ થવાની સંભાવના છે. ભારત સરકાર દ્વારા કપાસ માટે રૂ. 8,૦60 પ્રતિ કિવન્ટલ એટલે કે, રૂ.1,612 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેની સામે હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવની સરખામણીએ રૂ.800 થી રૂ.1,000 પ્રતિ ક્વિન્ટલ ઓછો છે. આવી સ્થિતિમાં મહત્તમ ખેડૂતો કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા આવવાની સમભાવના હોવાથી ખેડૂતોને કોઇપણ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા કૃષિ મંત્રીએ સૂચના આપી હતી.

નોંધણી પ્રક્રિયા તા.31 ઓક્ટોબર સુધી ચાલશે

કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા કૃષિ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા.31 ઓક્ટોબર સુધી ચાલશે. કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજીસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો, લંબાવવા માટે પણ મંત્રીશ્રીએ CCIના અધિકારીઓને ભલામણ કરી હતી. આ ઉપરાંત કૃષિ મંત્રીએ ખેડૂત પાસેથી તેના જમીન રેકર્ડ મુજબ તથા જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાને રાખીને ઉત્પાદિત તમામ કપાસનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા માટે જણાવ્યું હતું. વધુમાં, મંત્રી પટેલે CCIના અધિકારીઓને APMC કેન્દ્રો ખાતે હરાજીમાં ઉભા રહીને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ સીધી ખરીદી APMC કેન્દ્રો તથા નિયત સેન્ટરો ખાતેથી પણ કરવા સૂચન કર્યું હતું. રાજ્યના જે ખેડૂતોનું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન થયું ન હોય, તો પણ તેવા ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરવાની જરૂરી અનુમતિ મેળવવા તેમણે CCIના અધિકારીઓને જણાવ્યુ હતું.

કૃષિ મંત્રીએ આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આ બેઠક યોજીને ખેડૂતોના હિતાર્થે વિવિધ સૂચનો કર્યા હતા અને રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now