7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસયાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતે 2001થી 2025 સુધી સર્વગ્રાહી અને વૈશ્વિક વિકાસની ગાથા રચી છે. આ સફળતાની ઉજવણી માટે, 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2025 સુધી "વિકાસ સપ્તાહ"નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
ભારત વિકાસ પ્રતિજ્ઞા: વિકસિત ભારતનો સંકલ્પ
વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોષી, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
ભારત વિકાસ પ્રતિજ્ઞાના મુખ્ય મુદ્દાઓ
આ પ્રતિજ્ઞા દેશના સર્વાંગી વિકાસ, એકતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સમર્પણ દર્શાવે છે. આ પ્રસંગે પ્રતિજ્ઞા લેવડાવી કે, 'હું ભારતના જવાબદાર નાગરિક તરીકે, મારા જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહીશ,હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશ અને સર્વાંગી-સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરીશ. હું બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને મન, વચન અને કર્મથી સાકાર કરીશ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપીશ. ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી, દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન-ધનથી અવિરત પ્રયાસરત રહીશ''.
ઓનલાઈન પ્રતિજ્ઞા: નાગરિકોની સહભાગીદારી
વિકાસ સપ્તાહના ભાગરૂપે, ગુજરાતના નાગરિકોને આ ઐતિહાસિક યાત્રામાં જોડાવાનો અવસર આપવામાં આવ્યો છે. તમે ભારત વિકાસ પ્રતિજ્ઞા પોર્ટલ પર ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકો છો અને તેનું સર્ટિફિકેટ મેળવી શકો છો.
જોડાઓ વિકસિત ભારતના સ્વપ્નમાં!
આ વિકાસ સપ્તાહ એક તરફ ગુજરાતની વિકાસગાથાને ઉજાગર કરે છે, તો બીજી તરફ દેશના નાગરિકોને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવાની પ્રેરણા આપે છે. આજે જ https://pledge.mygov.in/bharat-vikas/ પર જઈને પ્રતિજ્ઞા લો અને વિકસિત ભારતના સ્વપ્નનો ભાગ બનો! તેમ પણ રાજ્ય સરકારે જણાવ્યું છે.