દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગેવાનો સાથે પદયાત્રા યોજી હતી. આ યાત્રા દક્ષિણ ગુજરાતના એક ઐતિહાસિક પૌરાણિક અને પર્યટન સ્થળ — જુનારાજ ગામથી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રાનું મુખ્ય ઉદ્દેશ છે જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા અને દેવહાત્રા જેવા ગામોને જોડતો રસ્તો તરત બનાવવામાં આવે તેવી માગ હતી. સ્થાનિક લોકો અને ચૈતર વસાવાનું કહેવું છે કે, જુનારાજ ગામનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં રસ્તાની પરિસ્થિતિ એટલી નાજુક બને છે કે ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી જાય છે. ઈમરજન્સી સ્થિતિમાં પણ દર્દીને હોસ્પિટલ લઈ જતી 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં અસમર્થ રહે છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં રસ્તા મુદ્દે પદયાત્રા
વિશેષ વાત એ છે કે આ રસ્તાનું કામ ઘણાં સમય પહેલાં મંજૂર થયું હતું. આ કામનું ખાતમુહૂર્ત પ્રદેશના સાંસદ મનસુખ વસાવાએ પણ કર્યું હતું, છતાં આજે સુધી રસ્તાનું કામ પૂરું થયું નથી. તેમણે આક્ષેપ કર્યો કે ગયા વર્ષે એક એજન્સીએ કામ શરૂ પણ કર્યું હતું, પણ સ્થાનિક વિરોધ થતા તે અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારપછી વન વિભાગની મંજૂરીને લઇને પ્રશ્નો ઉભા થયા અને RTI (માહિતી અધિકાર) હેઠળ થયેલ અરજીઓ બાદ કામ ફરી અટકી પડ્યું છે.
ચૈતર વસાવાએ તંત્રને ખુલ્લેઆમ ચીમકી આપી
ચૈતર વસાવાનું કહેવું છે કે, જંગલ વિસ્તારના રસ્તાને લઈ વન વિભાગની મંજૂરી જરૂરી હોય છે, પણ યોગ્ય નિર્ણય અને કામગીરીના અભાવે આજ સુધી આ માર્ગ અધૂરો પડ્યો છે. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જુનારાજ ગામ એ સાંસદ મનસુખ વસાવાનું પિતૃગામ છે અને ધારાસભ્ય ચૈતર વસાવાનું મોસાળ પણ છે, છતાં વિકાસના કામો અધૂરા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પદયાત્રામાં ચૈતર વસાવા સાથે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવા પણ જોડાયા હતા. ચૈતર વસાવાએ તંત્રને ખુલ્લેઆમ ચીમકી આપી છે હતી કે, "જો 15 દિવસમાં રસ્તાનું કામ ફરી શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશે."