અમદાવાદના એલિસબ્રિજમાં આવેલી SVP હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં કપડાં ધોવાના મશીનમાં શોર્ટ સક્રિટ થતાં ધુમાડો નીકળતાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. ઘટના બનતાં જ હોસ્પિટલના સ્ટાફમાંમાં દોડધામ મચી હતી. પરંતુ સ્ટાફે તાત્કાલિક તકેદારીના પગલાં લીધા હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
આગ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર અધિકારીઓએ હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
કોઈપણ જાતની હાનિ થઈ નથી!
ઘટનાની જાણ થતાં જ SVP હોસ્પિટલના સ્ટાફે તમામ કર્મચારીઓને અને દર્દીઓને સાવચેતી રાખવા સૂચનો આપી દીધા હતા. અગ્નિકાંડ સમયે હોસ્પિટલમાં દર્દીઓની કોઈપણ જાતની હાનિ થઈ નથી. ફાયરબ્રિગેડ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આગનું કારણ લોન્ડ્રી વિભાગના કપડાં ધોવાના મશીનમાં આવેલી તકનિકી ખામી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.