વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ધોળે દિવસે એક ભયાનક અને ચોંકાવનારી હત્યાની ઘટના બની છે. સામાન્ય ઝઘડામાં વાત એટલી બધી વધી કે 25 વર્ષીય યુવક અજય સાનેની કરૂણ હત્યા કરવામાં આવી છે.
વડોદરામાં ધોળે દિવસે હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાહુલ ખેડેકર નામના શખ્સે અજય સાને પર ઘાતકી હુમલો કર્યો હતો. તેણે મોઢા પર કોષના ઘા માર્યા હતા, જેના કારણે અજયને ગંભીર ઇજા થઈ અને તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ હુમલામાં અન્ય એક યુવકને પણ ગંભીર ઇજા થઈ છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટના ભવાનીનગર વિસ્તારમાં ધોળા દિવસે બની હોવાને કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, ઝઘડો પહેલાં સામાન્ય હતો, પરંતુ અચાનક હિંસામાં પલટાઈ ગયો હતો. હવે પોલીસે પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.