7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને 24 વર્ષ પૂર્ણ થયા છે. 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આ અંતર્ગત આ વર્ષે 8 ઓક્ટોબરે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોના પરિણામે ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાનો માટે કૌશલ્ય વિકાસ થકી રોજગારની વિપુલ તકોનું સર્જન કરીને તેમને સશક્ત બનાવવા વિવિધ પહેલો આદરી છે. આજથી 24 વર્ષ પહેલાં ગુજરાતના યુવાનોને શિક્ષણ અને રોજગાર માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. આજે યુવાનોને ઉચ્ચ અભ્યાસથી લઈને રોજગારના નોંધપાત્ર અવસરો પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારે છેલ્લા બે અઢી દાયકાઓથી રાજ્યના યુવાનોને રોજગારીની અનેક તકો મળી રહે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી: સ્કિલ અભ્યાસક્રમો દ્વારા રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ
યુવાનોને જે-તે ક્ષેત્રનું ગુણવત્તાયુક્ત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતમાં આજે ચોક્કસ ક્ષેત્રનું શિક્ષણ પ્રદાન કરતી વિવિધ યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે, જે એક યુનિક કોન્સેપ્ટ છે. ગુજરાત આજે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે. આમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) સ્કિલ અભ્યાસક્રમો દ્વારા યુવાનોમાં કૌશલ્ય વિકસાવીને રોજગાર ક્ષમતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ઓક્ટોબર 2021માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી.ઉભરતા ઉદ્યોગ અને નવીનતમ ટેક્નોલૉજીની માંગ આધારિત અભ્યાસક્રમો
કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)આ યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગ અને ઉદ્યોગ સંગઠનોની ભાગીદારી સાથે કૌશલ્ય તાલીમ અને શિક્ષણ માટે એક અનોખું મોડેલ વિકસાવવામાં આવ્યું છે. જે માટે વિવિધ ઉદ્યોગગૃહો સાથે 69 જેટલા એમઓયુ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગોની હાલની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર થાય તે માટે સંશોધન કરી નવા અભ્યાસક્રમો વિકસાવવામાં આવ્યા છે, જે યુવાનોને કૌશલ્યવાન બનાવીને તેમને રોજગારની તકો મળે એ સુનિશ્ચિત કરે છે. હાલમાં આ સંસ્થા દ્વારા સ્ટીલ ટેક્નોલૉજી, ગ્રીન અને રિન્યૂએબલ એનર્જી, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થકેર, એગ્રી સર્વિસિસ, લોજીસ્ટિક્સ જેવા રોજગારીની વિપુલ તકો ધરાવતા વિવિધ અભ્યાકસક્રમો ચલાવવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા અત્યારસુધીમાં ઉક્ત દર્શાવેલ ક્ષેત્રોના વિવિધ અભ્યાસક્રમોમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ સફળ થયા છે.
KSU ખાતે દરેક અભ્યાસક્રમ ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને ડિઝાઇન કરવામાં આવે છે જે ઉભરતા ઉદ્યોગ અને નવીનતમ ટેક્નોલૉજીની માંગને આધારિત હોય છે. આ ઉપરાંત, તે રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ દ્વારા વ્યવહારીક શિક્ષણ અને કારકિર્દી પ્રગતિને પ્રોત્સાહન આપે છે. યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ કમ્પ્યુટિંગ, સ્કૂલ ઑફ સાયન્સ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને ફાઇનાન્સ, સ્કૂલ ઓફ હેલ્થકેર, એગ્રી અને અન્ય સર્વિસીસ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ અને સ્કૂલ ઓફ ડ્રોન્સ જેવી 6 સ્કૂલો કાર્યરત છે. KSU ખાતે જે વિવિધ ક્ષેત્રના કોર્સ ઉપલબ્ધ છે તેમાં ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેક્નોલૉજી, પેરા મેડિકલ ક્ષેત્ર, સ્ટીલ ક્ષેત્ર, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે.
સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા સ્કૂલ ઓફ ડ્રોન્સ, KSU એ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (RPTO) લાઇસન્સ મેળવનાર પ્રથમ રાજ્ય યુનિવર્સિટી છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે અને સર્ટીફિકેટ મેળવ્યા બાદ 60 જેટલા ડ્રોનનું ઉત્પાદન પણ કરેલ છે. ડ્રોન એપ્લિકેશનની વધતી માંગને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2024થી 9 અદ્યતન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ સંસ્થાએ 621 ડ્રોન પાઇલટ્સ, 1151 ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી તથા 157 ડ્રોન એપ્લિકેશન કોર્સમાં તાલીમ આપેલ છે.
કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં બી.એસસી. ઇન સ્ટીલ ટેક્નોલૉજી, પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વગેરે કોર્સમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. જે પૈકી યુનિવર્સિટી દ્વારા 657 વિદ્યાર્થીઓને તા. 08 ઓક્ટોબર 2025ના રોજ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી/ડિપ્લોમા એનાયત કરવામાં થશે.