logo-img
93rd Anniversary Of Indian Air Force Celebrated In Gandhinagar

ગાંધીનગરમાં ભારતીય વાયુ સેનાની 93મી વર્ષગાંઠ ઉજવાઈ : વાયુ સેનાની સુરક્ષા સાથો સાથ સામાજિક દાયિત્વને CMએ બિરદાવ્યું

ગાંધીનગરમાં ભારતીય વાયુ સેનાની 93મી વર્ષગાંઠ ઉજવાઈ
Published by: Offbeat Team
| Last Updated: Oct 06, 2025, 01:36 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાના ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ કમાન્ડના વાયુ સૌનિકો સહિત એરફોર્સ પરિવારને 93મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, ભારતીય વાયુ સેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.


ભારતીય વાયુ સેનાની 93મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી સંપન્ન

તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતુ. મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.

વાયુ સીમાની સુરક્ષા સાથો સાથ સામાજિક દાયિત્વને CMએ બિરદાવ્યા

ભૂપેન્દ્ર પટેલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ વાયુ સીમાની સુરક્ષા સાથો સાથ સામાજિક દાયિત્વમાં પણ યોગદાન આપી રહ્યુ છે તેને બિરદાવતા જણાવ્યુ કે, વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ મા કે નામ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં ‘સ્વાક’ સક્રિય ભાગીદાર રહ્યુ છે. તેમણે વાયુસેના પરિવારની મહિલાઓ દ્વારા સંચાલિત ‘સંગીની’ સંગઠનની સામાજિક અને કલ્યાણકારી કાર્યોની પહેલની પણ પ્રશંસા કરી હતી. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે સ્વાગત પ્રવચનથી મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને એરફોર્સ વર્ષગાંઠ ઉજવણીની ભૂમિકા આપી હતી. મુખ્ય સચિવ પંકજ જોશી, સિનિયર એર સ્ટાફ ઓફિસર એસ. શ્રીનિવાસ સહિત વાયુ સેનાના અધિકારીઓ, વાયુ સૈનિકો અને તેમના પરિવાર જનો આ ઉજવણીમાં સહભાગી થયા હતા. એરફોર્સ બેન્ડની કર્ણપ્રિય સૂરાવલિઓથી આ ઉજવણી વધુ શૌર્યસભર બની હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now