અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદસ્વામીના 241માં પ્રાગટ્ય પર્વ, ગુરુહરિ હરિપ્રસાદસ્વામીના હીરક ભાગવતી દીક્ષાદિન પર્વ તથા નુતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરા નજીક આવેલ ગણેશપુરા મુકામે પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીના પ્રેરણા અને આશિષથી ત્રિવેણી મહોત્સવનું આયોજન સોમવાર, તા. 06/10/2025 ના રોજ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દેશ-વિદેશના ભક્તોએ ઉપસ્થિત રહી સમૂહ મહાપૂજા, ખાતમુહૂર્ત વિધિ તથા સભા-પ્રસાદનો લાભ લીધો હતો.
કીર્તનમંડળના ભક્તોએ શ્લોક – ધૂન -ભજનની રમઝટથી ત્રિવેણી મહોત્સવની સભાની શરૂઆત કરી હતી. મહોત્સવની શરૂઆત સાંજે 5:30 વાગ્યાથી મહાપૂજાના મંગલ શ્લોકોથી કરવામાં આવી હતી, જેમાં 3300 જેટલા ભક્તોએ પોતાના સ્થાપન પર, તો મુખ્ય સ્થાપન પર સ્વયં ગુરૂહરિ પ્રબોધ જીવન સ્વામીએ શ્રી ઠાકોરજીની મહાપૂજા કરી હતી. ગુરુહરિ પ્રબોધસ્વામીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંત મંડળ, સાધ્વી બહેનો, હરિપ્રબોધમ પરિવારના સભ્યો સહિત સામાજિક-રાજકીય અગ્રણીઓએ હાજર રહી ભક્તિપૂર્ણ હૃદયે ભક્ત મંડળ સહિત શ્રી ઠાકોરજી અને ગુરુપરંપરાના મહાપૂજનની વિધિ સંપન્ન કરી હતી.
ત્યારબાદ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીના વરદ હસ્તે “નુતન હરિપ્રબોધમ ધામ”ની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જે જગ્યા એ શ્રી ઠાકોરજી તથા ગુરુ પરંપરાનું મંદિર નિર્માણ થવાનું છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સહિત વિધિપૂર્વક ભૂમિપૂજન કર્યા બાદ ગુરુહરિ એ ત્રિકમ થી જમીન પર ટચકો માયોઁ હતો જેને ઉપસ્થિત સહુ ભક્તોએ જયઘોષ સાથે વધાવી લીધો હતો. તે પછી વૈદિક વિધિના ભાગ રૂપે પવિત્ર નદીઓ તથા તીર્થસ્થાનોના જળ, માટી, નવરત્નો તથા અન્ય પવિત્ર સામગ્રી પધરાવેલ કળશ ભૂમિમાં પધરાવી ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ ગુરુહરિએ પ્રથમ ઈંટ(શીલા) મૂકી શુકનવિધિ અનુસાર ચણતરકાર્યનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ સંતમંડળ, સાધ્વી બહેનો તથા અન્ય અગ્રણીઓએ પણ મંદિરના પાયામાં ઇંટો પધરાવી ખાતમુહૂર્ત વિધિ સમ્પન કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હરિ-પ્રબોધમ પરિવારના દેશ-વિદેશમાં વસતાં 25000 થી વધુ ભક્તોએ બે મહિના અગાઉથી પોતાના ઘરે ઇંટો લાવી, તેને સુશોભિત કરવાની સાથોસાથ તેને “મંદિર નિર્માણમાં નિમિત્ત બનવાની...હોમાઈ જવાની” પ્રાર્થના-ભક્તિના આર્તનાદથી પૂજિત કરીને, હરિપ્રબોધમ ધામ પહોચાડી હતી, જેને આ નુતન સંકુલના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે.
ત્યારબાદ મહોત્સવ સભાની શરૂઆત થઈ હતી. જેમાં લાભ આપતાં પૂ.સર્વમંગલ સ્વામીએ સમજાવ્યું હતું કે પાંડવોના પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ હતાં જેને લીધે તેમનો વિજય થયો. એમ આપણી સાથે પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી છે તેથી આપણા દરેક કાર્યો સફળ થવાના જ છે. સાથોસાથ ભગવાન સાથે અખંડ સબંધ કેવી રીતે બાંધવો તે ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોના માધ્યમથી સમજાવ્યું.
ત્યારબાદ મુંબઈ મંડળના ભક્તો એ "ના ભૂતો..ના ભવિષ્યતિ" ભક્તિનૃત્ય દ્વારા ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામીજીની "સેવા- સ્મૃતિ- સુહૃદભાવ અને સ્વધર્મ" ની જીવન ભાવનાને મંચસ્થ કરી હતી.
તે પછી લાભ આપતાં પૂ. ભક્તિપ્રિય સ્વામીએ પોતાના વક્તવ્યમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું હાર્દ વર્ણવવાની ન સાથે જીવનમાં પ્રગટ સંતની અનિવાર્યતાની વાત સમજાવી હતી. તો ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીના દીક્ષા પ્રસંગે યોગીજી મહારાજે વહાવેલ આશિષ વચનોને યાદ કરી તેમની પ્રાપ્તિનો મહિમા વર્ણવ્યો હતો. સાથોસાથ "એકાંતિક ભક્તોનો સમાજ પાકે તેવી ધરતી કે જ્યાં ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામી પોતાનું ધામ બનાવી રહ્યા છે" એ વાત વર્ણવી હરિ - પ્રબોધમ ધામની ધરતીને બિરદાવી ઉપસ્થિત ભક્તોને મંદિર નિર્માણના શુભકાર્યમાં નિમિત્ત બનવા પ્રોત્સાહિત કર્યાં હતાં.
સભાના અંતમાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીએ પોતાની પરાવાણીમાં હરિપ્રસાદસ્વામીના જીવન પ્રસંગો વર્ણવી જીવનમાં પવિત્ર સંતની અનિવાર્યતાની વાત સમજાવી હતી, સાથોસાથ સનાતન હિંદુ સંસ્કૃતિ અનુસાર મંદિર – તીર્થસ્થાનનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. અંતમાં, શ્રી ઠાકોરજી તથા પ્રગટ ગુરૂહરિ પ્રબોધ જીવન સ્વામીના ચરણોમાં ભક્ત સમુદાયે મહા આરતી દ્વારા કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.
છેલ્લા ત્રણ મહિનાથી આ મહોત્સવની તૈયારીમાં સંતમંડળની આગેવાનીમાં હરિપ્રબોધમ પરિવારના યુવકો અને ભાઈઓ તથા સાધ્વી બહેનોની નિશ્રામાં યુવતીઓ અને મહિલાઓ નિમિત્ત બન્યા હતા. નુતન હરિપ્રબોધમ ધામના ખાતમુહુર્ત અવસરમાં ઉપસ્થિત રહેવાની તક મેળવીને ધન્યતાસભર હૈયે “શરદ પૂર્ણિમા” નિમિતનો પ્રસાદ જમી સહુ ભક્તોએ પોતાના ગૃહમંદિર તરફ પ્રયાણ કર્યું હતું.