બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જમીનના કબજા મુદ્દે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. શિહોરી પોલીસ જ્યારે કોર્ટના આદેશ મુજબ જમીન પર પંચનામું કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે ખેતરમાં હાજર લોકોને તે માન્ય ન લાગતા પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી.
જમીનના કબજા મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ
મળતી માહિતી મુજબ જમીન અંગે કોર્ટે મૂળ માલિકને કબજો આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમના અમલ માટે પોલીસ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સાથે સ્થળ પર પહોંચી હતી. પરંતુ જે લોકો હાલમાં જમીન પર કબજો કરીને બેઠેલા હતા, તેમણે વિરોધ કર્યો અને પોલીસ સાથે બોલાચાલી શરૂ થઈ હતી.
પોલીસ અને મહિલા વચ્ચે ઝપાઝપી
ઘટનાની ગંભીરતા એ પણ રહી કે, ઝપાઝપીમાં મહિલાઓ પણ સામેલ થઈ ગઈ હતી. ખેતરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે તીવ્ર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે. જમીન સંબંધિત વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો અને હવે જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો છે, ત્યારે પોલીસ હસ્તક્ષેપે તેનો અમલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકોએ તેનો ભારે વિરોધ કર્યો અને પરિસ્થિતિ બેહાલ થઈ હતી.