દિવાળી, છઠ્ઠ પૂજા અને આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ સુરત રેલવે સ્ટેશન પર ભયાનક ભીડ જોવા મળી રહી છે. દર વર્ષની જેમ પણ સુરતમાંથી માદરે વતન જવા માટે હજારોની સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર ઉમટ્યા છે. ખાસ કરીને બિહારના પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, દરભંગા, સમસ્તિપુર અને મુઝફ્ફરપુર તરફ જવા માટે મુસાફરોની ભારે ભીડ જામી છે.
દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશને ભયાનક ભીડ
ભીડ એટલી વધી ગઈ છે કે મુસાફરો માટે પગ મુકવાની પણ જગ્યા નથી. લોકો ટ્રેનમાં ચઢવા માટે એકબીજાને ધક્કા મુક્કી કરતા જોવા મળ્યા . ઘણા મુસાફરો પાસે રિઝર્વેશન ટિકિટ પણ નહોતી, છતાં તેઓ પોતપોતાના વતન પહોંચવા માટે ટ્રેન પકડીને જવાની કોશિશ કરતા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે.
રેલવે સ્ટેશન પર ભારે ભીડ
ભીડ પર નજર રાખવા માટે રેલવે તંત્ર દ્વારા CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા જાળવવા માટે RPF અને GRP તૈનાત કરવામાં આવ્યા છે. ઉધના રેલવે સ્ટેશનના અધિકારીઓ ભીડ પર કાબૂ મેળવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ભારે પ્રવાસી દબાણને ધ્યાને રાખીને ભારતીય રેલવે વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરોને રાહત આપવા માટે 12,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી લોકો આરામથી અને સલામત રીતે પોતાના વતન પહોંચી શકે.
મુસાફરોને અપીલ કરાઈ
મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ યાત્રા કરતાં પહેલાં રિઝર્વેશન કરી લે અને શક્ય હોય તો ઓનલાઇન ટિકિટ બુકિંગનો ઉપયોગ કરે. સાથે જ, ટ્રેનમાં ચડતી વખતે શાંતિ જાળવે અને કોઈ પ્રકારની અફરાતફરીથી બચે, જેથી તમામ મુસાફરોની યાત્રા સુરક્ષિત અને સુખદ બની રહે.