અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ જવા રવાના થનાર એક ભારતીય મુસાફર પાસેથી 50 લાખથી વધુની વિદેશી કરન્સી ઝડપાઈ છે. કસ્ટમ્સ અને ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ સંયુક્ત કાર્યવાહી કરીને આ મોટી રકમ જપ્ત કરી છે.
50 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ
મુસાફર ઇન્ડિગોની ફ્લાઈટ 6E-1477 દ્વારા દુબઈ જવા તૈયાર હતો. ચેક-ઇન કરેલી બેગમાં તપાસ દરમિયાન કાળા ટેપમાં લપેટેલા 30,000 યુરો અને 22,500 અમેરિકન ડોલર મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે કેટલાક પેકેટમાં એલ્યુમિનિયમ ફોઇલનો પણ ઉપયોગ કરાયો હતો, જેથી સ્કેનરમાં નોટો જોવા ન મળે, પણ અધિકારીઓએ શંકાસ્પદ બેગને ધ્યાનમાં રાખીને હાથ ધરેલી તપાસમાં આખો ભાંડો ફૂટ્યો હતો.
તપાસ હાથધરાઈ
કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ વિદેશી કરન્સીનું મૂલ્ય અંદાજે ₹50,62,500 થાય છે. આ કરન્સી કસ્ટમ્સ એક્ટ અને ફેમા (FEMA) નિયમોના ઉલ્લંઘન હેઠળ જપ્ત કરવામાં આવી છે. હાલમાં મામલે વધુ તપાસ ચાલી રહી છે અને મુસાફર સામે કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
નિર્ધારિત મર્યાદાથી વધુ વિદેશી કરન્સી લઈ શકાય નહી
ભારતીય નાગરિક વિદેશ યાત્રા દરમિયાન નિર્ધારિત મર્યાદાથી વધુ વિદેશી કરન્સી લઈ જઈ શકતા નથી. વિમાની મુસાફરી દરમિયાન નિયમિત તપાસ દરમિયાન જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે કરન્સી મળી આવે, તો કસ્ટમ્સ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તે જપ્ત કરી શકાય છે અને સંબંધિત વ્યકતિ સામે કાર્યવાહી થતી હોય છે.