મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ધ્રાંગધ્રા દરવાજા અંદર આવેલા 'મોગલ માતાના ભુવા' પર વિજ્ઞાન જાથા અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવી. છેલ્લા 10 વર્ષથી ચાલતી આ "ભુવા વિધિઓ" પાછળ છુપાયેલ ભ્રમ અને અંદશ્રદ્ધાનું ચિત્ર બહાર લાવ્યું છે.
માતાજીનો મઢ નાંખીને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો
આ ભુવાનું નામ ફિરોઝ સંધી, પોતાની રહેણાંક જગ્યાએ મોગલ માતાજીનો મઢ નાંખીને લોકોના દુઃખ-દર્દ દૂર કરવાની દાવા કરતો હતો. દર રવિવાર અને મંગળવારની રાતે, દુઃખી લોકો માટે જોવાનું કામ કરતો હતો. ભુવા દ્વારા ખાસ બેઠકોમાં માતાજીની પાટ નાખીને નિઃસંતાન દંપતીઓને સંતાન આપવાના વિધિ-વિધાન કરાતા હતો.
દાનના નામે મોટી રકમ વસુલતો હોવાની શંકા
ફિરોઝ પોતાનું આર્થિક સામ્રાજ્ય ઘરના પરિવારજન અને સાગ્રીતોની સહાયથી ચલાવતો હતો. લોકોમાં અંદરોઅંદર ઝઘડા કરાવવો, પ્રેમલગ્ન કે છુટાછેડા કરાવવો, જમીનના વહીવટ અંગે ઉપાય આપવો, રૂપિયા પરત કરાવવો વગેરે ‘વિશિષ્ટ વિધિઓ’નો દાવો કરાતો હતો. આ તમામ પ્રક્રિયામાં ભુવા વાજબી દાનના નામે મોટી રકમ વસુલતો હોવાની શંકા છે.
ખોટી જાહેરાતો અને ભ્રમ ફેલાવવાનું ષડયંત્ર
ભુવાએ પોતાને ત્રણ દિકરી અને દિકરાનો પિતા હોવાનું જાહેર કર્યું હતું, જે તપાસમાં ખોટું સાબિત થયું. તે ઉપરાંત ગૌશાળાના નામે લોકોને વિશ્વાસમાં લઇ ભ્રમ પેદા કરતો હતો. ભુવાને દાવો કર્યો હતો કે મેરુપરા વાડીના રસ્તે તેને મોગલ માતાજી મળ્યા હતા અને ત્યારથી ઘરમાં મઢની સ્થાપના કરીને ધૂણી સાથે દાણા જોવાનું શરૂ કર્યું હતું.
મંગળવાર ખાસ 'ભરાવાની ટેક'
ભુવો દાવા કરતો કે તે ભૂત-પ્રેત, ડાકણ, ભારે નજર, જોળ ઝડપ, ઉતારવું અને અન્ય તંત્ર વિધિ દ્વારા મુશ્કેલીઓ દૂર કરી શકે છે. સાથે જ દર્દીઓનું મઢે નિવેદ કરાવવાનું પણ ચલાવાતું હતું. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને કચ્છથી લોકો અહીં મોગલ માતાની માનતા રાખીને ભ્રમમાં આવીને ભુવા પાસે જોવડાવવા આવતા હતા. ભુવો મંગળવાર ખાસ 'ભરાવાની ટેક' રખાવતો અને લોકોમાં આંધળી શ્રદ્ધા જગાવતો. વિજ્ઞાન જાથાની ટીમે પોલીસ સાથે મળીને આ ફિરોઝ સામે કાયદેસર કાર્યવાહી કરી છે.