સુરત શહેરમાં ફરી એકવાર ક્રિપ્ટો કરન્સીના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે. આ વખતના કેસમાં આરોપીઓએ લોકોને PLCU, AURA અને BDLT જેવી નકલી કોઈન સ્કીમમાં રોકાણ કરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગુજરાત સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ સુભાષચંદ્ર રામરતન ઝેવરીયાને ફિલ્મી ઢબે રાજધાની એક્સપ્રેસમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
રાજધાની ટ્રેનમાં બેસી આરોપી ભાગી રહ્યો હતો
મુંબઈનો રહેવાસી સુભાષ ઝેવરીયા મુંબઇથી દિલ્હી ભાગી રહ્યો હતો, પરંતુ સાયબર સેલે આરપીની મદદથી સુરત રેલવે સ્ટેશને રાજધાની ટ્રેનમાં બેસેલા સુભાષને ઝડપી પાડ્યો છે. સુભાષ અગાઉથી ઘણા નકલી કોઈન સ્કીમ ચલાવતો હતો. વર્ષ 2017માં તેણે ATC કોઈન લોંચ કર્યું હતું, જેના દ્વારા 85 કરોડનું કુલ ફૂલેકું ફેરવ્યું હતું. આ મામલે મુંબઇ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ગુનો નોંધાયો હતો અને 65 કરોડ રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાંથી ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
વધુ કોઈન સ્કીમો અને દેશભરમાં નોંધાયેલા ગુના
આ પછી પણ સુભાષ ઝેવરીયા અટક્યો નહીં. તેણે 2020-21માં BDLT કોઈન લોંચ કર્યો, જેના મામલે ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચ અને આગ્રા પોલીસે પણ ગુનાઓ નોંધ્યા હતા. એટલું જ નહીં, સુરતના પાલ વિસ્તારમાં રહેતા કેટલાક નાગરિકો પણ આ ઠગાઈનો શિકાર બન્યા હતા.
લોકોએ ઊંચા વળતરની લાલચમાં લાખો ગુમાવ્યા
ઠગાઈમાં સપડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, "PLCU ULTIMA કોઈનમાં રોકાણ કરવાથી તમારું નસીબ ચમકી જશે, 3x વળતર મળશે, 3 મહિનામાં મુદલ પરત મળશે, અને વર્ષે ત્રણગણું નફો મળશે" – એવા લોભામણા મોટિવેશનલ સ્પીચ આપી લોકોને ફસાવાયા હતા. એક યુવકે PLCU અને AURA કોઈનમાં 56.26 લાખ રૂપિયા રોક્યા હતા, પણ સમય આવતા ન તો મુદલ પરત મળ્યું અને ન તો નફો. આખરે તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
અન્ય એજન્ટો પણ ઝડપાયા
સુભાષ ઉપરાંત અશ્વિન ઠુમ્મર સહિતના 3 એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી છે અને તમામને 2 દિવસના રિમાન્ડ પર લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. અશ્વિન ઠુમ્મર અગાઉ પણ પુણે પોલીસના હાથે પોન્ઝી સ્કીમમાં પકડાઈ ચૂક્યો છે.
3 આરોપીના નામ
અશ્વિન પરસોત્તમ ઠુમ્મર
સંજય નાનજી પટેલ
નરેન્દ્ર ગોરધન દુધાગરા
આ ત્રણેય આરોપીઓરોકાણ કરાવવા એજન્ટની ભૂમિકા ભજવી હતી