સાયબર ક્રાઇમના વધતા કેસ વચ્ચે અમદાવાદ શહેરમાં મોટો ડિજિટલ ફ્રોડ બહાર આવ્યો છે. શહેરની એક વયસ્ક મહિલાને 80 દિવસ સુધી ડર-ધમકાવના માધ્યમથી રૂ. 11.42 કરોડની રકમ પડાવી લેતા ત્રણ આરોપીઓને ગુજરાત સાયબર ક્રાઇમ સેલે દબોચ્યા છે. વિગતો મુજબ આરોપીઓ દિનેશ લીંબચિયા, કશ્યપ બેલાની અને ધવલ મેવાડાએ પોતાને TRAI, CBI અને પોલીસ અધિકારી તરીકે રજૂ કરી મહિલાને ડરાવી હતી. તેઓએ “તમારા નામે મની લોન્ડરિંગ કેસ ચાલી રહ્યો છે” કહી મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ નામે ડિજિટલ ધરપકડ કરી હતી.
આરોપીઓ 11થી વધુ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા
આ આરોપીએએ મહિલાના ખાતામાંથી રૂપિયા 11.42 કરોડની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ રકમનું રોકાણ આરોપીઓ પોતાના એકાઉન્ટ અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં કરતા હતાં. પોલીસે ત્રણે આરોપીઓને દબોચી કોર્ટમાં રજુ કર્યા બાદ ચાર દિવસના રિમાન્ડની મંજૂરી મેળવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં પણ 11થી વધુ સાયબર ગુનાઓમાં સંડોાયેલા છે.
શંકાસ્પદ ફ્રોડની તાત્કાલિક જાણ કરવી
સાયબર ક્રાઇમના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, લોકો અજાણ્યા કૉલ કે લિંક્સ પર વિશ્વાસ ન કરે અને કોઈપણ શંકાસ્પદ ફ્રોડની તાત્કાલિક જાણ ટોલ-ફ્રી નંબર 1930 પર કરે.