ગુજરાત આમ આદમી પાર્ટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં'. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય લોકોની ઈચ્છા અને અનુભવ પર આધારિત છે.
લોકોએ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી: ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ ખાસ કરીને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કોંગ્રેસે ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખીને AAPને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના કેટલાક નેતાઓ તો રૂપિયા વહેંચતા પણ ઝડપાયા હતા." તેમણે વધુમાં કહ્યું કે, "કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હવે અમને કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસથી દુઃખી છે અને વિશ્વાસ તૂટ્યો છે."
AAP લાવશે 12 હજાર યુવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં?
AAP હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નવી ટીમ સાથે ઉતરવાની તૈયારીમાં છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, "આપ પાર્ટી 12,000થી વધુ યુવાન ચહેરાઓને ચૂંટણી લડાવશે અને એ લોકોને તકો આપશે જે સામાન્ય ઘરોમાંથી આવે છે, નેતાઓના દીકરાઓને નહીં." તેમણે ઉમેર્યું કે, ''છેલ્લા દોઢ મહિનામાં 10,000થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો AAPમાં જોડાયા છે, જેથી પાર્ટી મજબૂત બની રહી છે''.
કોંગ્રેસને કમલમથી આદેશ મળે છે: ઈસુદાન ગઢવીના આક્ષેપ
ઈસુદાન ગઢવીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, "ગુજરાતની જનતા હવે એવી કોંગ્રેસને સ્વીકારતી નથી, જે કમલમથી આદેશ લે છે." તેમણે જણાવ્યું કે, ''લોકસભા ચૂંટણીમાં દેશ બચાવવાનો મુદ્દો હોવાથી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવો પડ્યો હતો, પણ સ્થાનિક સ્તરે AAP એકલા હાથે ચૂંટણી લડશે''.
"આગામી ચૂંટણી જનતા લડશે, AAP ફક્ત નિમિત્ત બનશે"
ઈસુદાન ગઢવીએ અંતે જણાવ્યું કે, "આગામી ચૂંટણી ગુજરાતની જનતા લડશે અને આમ આદમી પાર્ટી ફક્ત એક નિમિત્ત તરીકે રહેશે."