ગુજરાતના વિસનગર અને ઉના (જીલ્લો – ગીર સોમનાથ)માં જે રીતે બાળકી અને મહિલા સાથે ગેંગરેપની ઘટના બની છે. હાલમાં વિસનગરમાં એક સગીર બાળકી અને ઉનામાં લગભગ 50 વર્ષની મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ નારાજગી વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર પર કડક નિંદા કરી છે.
'કાયદો અને વ્યવસ્થા ધજાગર થવાની દિશામાં'
ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, “આ ઘટનાઓ માત્ર દુઃખદ અને પીડાદાયક નથી, પણ સાથે સાથે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ધજાગર થવાની દિશામાં જઈ રહી હોવાનું દર્શાવે છે. મહિલા સુરક્ષા માટે ભાજપ સરકાર પૂરતું કામ કરી રહી નથી અને ગુજરાતની ધરતી મહિલાઓ માટે સતત અસુરક્ષિત બની રહી છે.” તેમણે હોમ ડિપાર્ટમેન્ટની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે, “આ પરિસ્થિતિ રાજ્યના ગૃહ વિભાગની નિષ્ફળતા છે, જે હર્ષ સંઘવીના અધિનિયંત્રણ હેઠળ છે. એક તરફ હર્ષ સંઘવી જાહેરમાં દાવો કરે છે કે મહિલાઓ રાત્રે નિર્ભયતાથી ફરી શકે છે, પણ વાસ્તવિકતા એ છે કે મહિલાઓ સામેના ગુનાઓ દરરોજ વધી રહ્યા છે.”
કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ
કોંગ્રેસે સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું કે, “ભાજપ સરકાર પોતાની રાજકીય લાભ માટે વિરોધ પક્ષોને ડરાવવા માટે કાયદાની અમલવારી એજન્સીઓનો ઉપયોગ કરે છે, પણ જ્યારે વાત સામાન્ય લોકોના રક્ષણની આવે છે, ત્યારે તેમનું ધ્યાન નથી જતું. સરકારને હવે મહિલાઓ માટે સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં કડક પગલાં લેવાની જરૂર છે.”