દહેગામના બહિયલ ગામમાં ત્રીજા નોરતે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટની ન જેવી બાબતે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગરબા દરમિયાન આગચંપી, પથ્થરમારો અને પોલીસ પર હુમલો કર્યા બાદ હવે કાયદાનું કડક પાલન કરવા માટે 9 ઓકટોબરે વહેલી સવારથી ગામના મુખ્ય માર્ગોમાં ગેરકાયદે કરાયેલા દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું
તોફાનકાંડ બાદ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી. જેના કારણે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જે સમયમર્યાદા ગઈ કાલે બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.એક પણ પુરાવો રજૂ ન કરાતા કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, 9 ઓકટોબરને ગુરુવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે
કુલ 190 દબાણોમાંથી હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણો અને રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણોને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓએ પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.
શું છે સમગ્ર ઘટના
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા રમઝટ ચાલી રહી હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે ન જેવી બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાયો જેથી નાસભાગ મચી હતી. તો બીજી બાજુ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી. બહિયલ ગામમાં જૂથ અથડામણના સમાચાર મળતા ઘટનાસ્થળે પહોંચતા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું.