જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. માળિયાહાટીના અને માંગરોળ તાલુકામાં યોજનાના અમલ દરમિયાન નિયમોનો ભંગ કરીને ‘લ્હાણી’ કરાયાનો લોકોનો આક્ષેપ છે.
ખોટી રીતે આવાસ ફાળવાયા હોવાનો ગંભીર આક્ષેપ
માળિયાહાટીના તાલુકાના અવાણીયા ગામમાં તો OBC કેટેગરીના લાભાર્થીઓને SC કેટેગરીમાં બતાવી આવાસ ફાળવાયા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. ગામલોકોના જણાવ્યા મુજબ, ઘણા જરુરિયાતમંદ પરિવારો આજે પણ ઝૂંપડામાં રહે છે, જ્યારે કેટલાક માલેતુજારોને બબ્બે આવાસ ફાળવી દેવાયા છે.
વ્હાલા માટે કોઈ નિયમ નહી?
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે આવાસ યોજના અંતર્ગત “લાયક લાભાર્થીઓને લાભ ન મળે અને ઓળખાણ ધરાવતા લોકોને નિયમો તોડીને આવાસ મળી જાય” તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે આ પણ ઉમેર્યું કે, છેલ્લા ચાર વર્ષથી વિવિધ કચેરીઓમાં પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.
ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા અપીલ
ગ્રામના સામાજિક આગેવાનોએ આ સમગ્ર મામલે તપાસની માગણી કરી છે અને સરકારને આ ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા અપીલ કરી છે. માંગરોળ તાલુકા પછી હવે માળિયાહાટીના તાલુકામાં પણ આવાસ યોજનાના નામે કૌભાંડની ચર્ચા ગરમાઈ છે. આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી, પરંતુ ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.





















