અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નનાર્થ ચિહ્ન ઊભું કરતી ઘટના સામે આવી છે. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલ અંધ કલ્યાણ કેન્દ્ર પાસે એક યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે, જેની આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ફરી અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
હત્યા થયેલ યુવકનું નામ નરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ અંગત અદાવત અથવા અંદરો અંદર ચાલી રહેલી માથાકૂટને લઈને આ હુમલો થયાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
પોલીસે તપાસ હાથધરી
છરીના ઘા વાગતા તાત્કાલિક નરેશ ઠાકોરને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તરત હત્યાનો ગુનો નોંધી, વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કોણ છે, હુમલાનું કારણ શું છે અને બીજી કેટલી વ્યક્તિઓ સંડોવાયેલી છે તે અંગે પોલીસ સઘન તપાસમાં લાગી ગઈ છે.
કાયદો વ્યવસ્થાની નબળી સ્થિતિ?
આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને કાયદો વ્યવસ્થાની નબળી સ્થિતિ અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે અને પોલીસ તંત્રએ વધુ સતર્ક થવાની જરૂર છે.