કહેવાય છે કે, ક્યારેક પ્રેમ તમામ હદો પાર કરાવી દે છે!, આવી જ એક અજબ પ્રેમ કહાની ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ખડીર દ્વીપ સમૂહના રતનપર ગામમાંથી સામે આવી છે, જ્યાં પાકિસ્તાનથી પ્રેમી પંખીડા સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા.
શંકાસ્પદ યુગલ દેખાયું અને....
ઘટનાની વિગત મુજબ, રતનપર ગામના સાંગવારી માતાજીના મંદિર પાસેના તળાવ નજીક, જ્યારે કેટલાક શ્રમિકો લાકડા કાપવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક શંકાસ્પદ યુગલ દેખાયું. શ્રમિકોએ તરત જ ગામના સરપંચને જાણ કરી. ત્યારબાદ ખડીર પોલીસ અને બીએસએફના જવાનો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.
4 દિવસ પહેલાં ભાગ્યા હતા
જાણવા મળ્યું કે, બંને વ્યક્તિઓ પાકિસ્તાનના થર પારકર જિલ્લામાં આવેલા ઈસ્લામકોટ શહેરના રહેવાસી છે અને તેઓ એકબીજાને પ્રેમ કરે છે. પ્રેમને લઈ તેઓ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશી ગયા હતા. આશરે 4 દિવસ પહેલાં ભાગ્યા હતા અને ખડીરના ટાપૂ વિસ્તારમાં એક તળાવ પાસે રોકાઈ ગયા હતા, જ્યાં તેમણે વરસાદનું પાણી પીધું અને થોડું ઘણું ખાધું હતું
યુવક-યુવતી સગીર વયના
આ યુવક-યુવતી સગીર વયના છે. સમગ્ર ઘટનાને પગલે ખડીર પોલીસ દ્વારા તેમને કાયદેસર કસ્ટડીમાં લઈ વધુ તપાસ માટે મામલો ઇન્ચાર્જ પીઆઈ વી.એ. ઝાના નેતૃત્વમાં આગળ ધપાવવામાં આવ્યો છે. વધુમાં સુરક્ષા એજન્સીઓ પણ આ લવ-સ્ટોરી પાછળ કોઈ સુરક્ષાજનિત કારણ તો નથી એ અંગે તપાસ હાથ ધરી રહી છે. આ ઘટના એ સાબિત કરે છે કે, પ્રેમમાં કોઈ સિમાડા કે, સરહદ નડતી નથી પણ જ્યારે વાત આંતરરાષ્ટ્રીય સરહદની આવે, ત્યારે પ્રેમ ઉપરાંત કાયદો અને સુરક્ષા એજન્સીઓ પણ પોતાનું કામ કરે છે.
''મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું''
યુવતીએ કહ્યું હતું કે, અમે બન્ને એક જ જ્ઞાતિના છીએ અને એકમેકના પ્રેમમાં છીએ, પરંતુ પરિવારજનો લગ્નની મંજૂરી આપતા ના હોય ઘરેથી ભાગીને આવ્યા છીએ. મેં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. જેને લઈ મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું''.