સુરત શહેરના ઉધના વિસ્તારના પટેલ નગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બનેવી દ્વારા પોતાની સાળી અને સાળાની ચપ્પુથી નિર્મમ હત્યા કરવામાં આવી. આરોપી બનનાર સંદીપ ગોડ હાલ ઘટનાસ્થળેથી ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં હાથ ધરી છે.
સાળા-સાળીની નિર્મમ હત્યા
મૃતકોમાં 30 વર્ષના નિશ્ચય અશોકભાઈ કશ્યપ અને તેમની બહેન મમતા અશોક કશ્યપનો સમાવેશ થાય છે. મમતા ઉપર પેટના ભાગે જ્યારે નિશ્ચય પર ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકાયા હતા. આરોપી સંદીપે બંનેને હત્યા પછી ઘરમાંથી ભાગી છૂટ્યો હતો.
બોલાચાલી થઈ અને...
મૃતકોનો પરિવાર ઉત્તર પ્રદેશથી સુરતમાં શોપિંગ માટે આવ્યો હતો. બનાવના સમયે ઘરમાં બોલાચાલી થઈ હતી. મળતી માહિતી મુજબ, સંદીપ ગોડને પોતાની સાળી મમતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. આ મુદ્દે ઘરમાં વિવાદ થતા તેણે ઉગ્ર બનીને ચપ્પુથી હુમલો કર્યો. આ ઘટનામાં સાસુને પણ ઇજા પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટના બાદ જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગંભીર રીતે ઘાયલ ભાઈ-બહેનને તરત 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. ફરાર આરોપી સંદીપ ગોડને પકડવા માટે ઉધના પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે અને શક્ય તેટલી તમામ દિશાઓમાં શોધખોળ શરૂ કરી છે.