અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન ગેંગ સાથે જોડાઈ ઓનલાઈન ફ્રોડ કરનાર ગેંગના પાંચ સભ્યોને જામનગરમાંથી ઝડપ્યા છે. આ કાર્યવાહી પોલીસ કમિશનર જી.એસ. માલિક, સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) અને નાયબ પોલીસ કમિશનર (સાયબર ક્રાઇમ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.ફરિયાદી મનહાર અમરજીત વમાગને આફ્રિકન કંપનીના નામે ઓળખ આપનાર વ્યક્તિઓએ “Eupatorium Mercola Liquid” નામની હોમિયોપેથિક દવા વેચાણના બહાને ઓનલાઈન સંપર્ક કર્યો હતો. તેમણે ફરિયાદીને ઓછા ભાવે દવા ખરીદીને આફ્રિકામાં વધુ ભાવે વેચાણથી નફો કમાવવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં આવી ફરિયાદીએ પ્રથમ નમૂના માટે રૂ. 5.52 લાખ ચુકવી બાદમાં વધુ જથ્થા માટે રૂ. 27 લાખ "Sharma Enterprises Manufacturing" નામની ખોટી કંપનીના ખાતામાં જમા કર્યા હતા. બાદમાં ખબર પડી કે આવી કોઈ કંપની અસ્તિત્વમાં નથી.
કુલ રૂ. 32,72,500 ની છેતરપીંડી બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તકનીકી વિશ્લેષણ દ્વારા જામનગરમાંથી પાંચ આરોપી (ઓઅસગર અજીજ પઠાણ, અલિષેક જોષી, પ્રલયનભાઈ નંદાણીયા, લલિત ગોસ્વામી અને નીતિન ભાતિયા) ને ઝડપી પાડ્યા છે. આરોપીઓ નાઇજીરિયન ગેંગ માટે ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી ફ્રોડના નાણા જમા કરાવી ઉપાડી વિદેશ મોકલતા હતા. મુખ્ય સુત્રધાર લલિત ગોસ્વામી કમિશન રૂપે 7 થી 10 ટકા રાખી બાકી રકમ મુખ્ય આરોપીને મોકલતો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઇલ ફોન, 2 ચેકબુક, 1 ડેબિટ કાર્ડ અને 1 સિમકાર્ડ કબજે કર્યા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને રિમાન્ડ પર લઈને વધુ તપાસ શરૂ કરી છે.