ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને એક પત્રકાર પરિષદ યોજી GSTના ઘટાડા બાદના ફાયદા વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (GST) ના અમલ પછી ભારતની કરવ્યવસ્થા ખૂબ જ સરળ અને પારદર્શક બની છે. તેમણે યાદ અપાવ્યું કે, અગાઉ કોઈ પણ કંપનીની નોંધણી માટે દેશભરના લગભગ 35 અલગ-અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. પરંતુ 2017 બાદ મોદી સરકારે આ તમામ પ્રક્રિયાનું સરળીકરણ કર્યું અને “વન નેશન, વન ટેક્સ” સિદ્ધાંત હેઠળ સમગ્ર દેશમાં એકસરખો ટેક્સ લાદવામાં આવ્યો.
''GST ના કારણે ટેક્સનું સરળીકરણ થયું''
ગુરુપ્રકાશ પાસવાને કહ્યું કે GST ના કારણે ટેક્સનું સરળીકરણ થયું છે, ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં તેજી આવી છે. તે મુજબ લોકોની જીવનશૈલીમાં સુધારો થયો છે અને દેશના અર્થતંત્રમાં વપરાશ તથા વિકાસ બન્નેને બળ મળ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે, વિકાસશીલ ભારત માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાગીદારી જરૂરી છે અને GST એ આ ભાગીદારીને વેગ આપવાનું કાર્ય કર્યું છે.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પાસવાને કહ્યું કે, ''કોંગ્રેસના સમયમાં ટૂથપેસ્ટ, ચોકલેટ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ પર 21 થી 27 ટકા ટેક્સ લાગતો હતો, જ્યારે એસી, ટીવી અને પંખા જેવી ચીજવસ્તુઓ પર 28 થી 31 ટકા સુધીનો ટેક્સ વસૂલવામાં આવતો હતો. હવે GST ના કારણે આ ટેક્સ દરોમાં ઘણો ઘટાડો થયો છે. તેમનો આક્ષેપ છે કે, કોંગ્રેસ GST બાબતે ખોટા નિવેદનો આપી રહી છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.
ભરત બોધરાએ શું કહ્યું?
આ અંગે ભાજપના ઉપાધ્યક્ષ અને GST પ્રચાર-પ્રસાર કમિટીના ચેરમેન ભરત બોધરાએ જણાવ્યું કે, ''દરેક વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોને મોકલવામાં આવશે, જે સ્થળ પર જઈને લોકોને GST રિફોર્મ અંગે વિસ્તૃત માહિતી આપશે. ખેડૂતો, વેપારીઓ અને અન્ય તમામ વર્ગો સુધી GST વિશેની સાચી સમજણ પહોંચાડવાનો ભજપાનો પ્રયાસ રહેશે. આ રીતે ભાજપે GST ને માત્ર કરવ્યવસ્થામાં સુધારાના રૂપમાં જ નહીં, પરંતુ વિકાસના માર્ગે એક મજબૂત પગથિયાં તરીકે રજૂ કર્યું છે''.