ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આવતીકાલે, 2 ઑક્ટોબર, 2025ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે. આ સાથે, ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવશે, જેનાથી વહીવટી કાર્યક્ષમતા, વિકાસ યોજનાઓ અને નાગરિક સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચશે.
સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા મળશે
બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ વર્ષોથી એકતા અને સમર્પણ સાથે વિકાસની સફર સાથે ખેડી છે. દરેક સંકટમાં એકબીજાને સાથ આપી, ખભે ખભો મિલાવી સંઘર્ષ કર્યો છે અને અનેક સફળતાઓને પરિવારની જેમ ઉજવી છે. નવા જિલ્લાની રચના એ નાગરીકો માટે વિભાજન નથી, પરંતુ વહીવટી સુગમતા અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ છે.
સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે
નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની સ્થાપના સાથે વાવ, થરાદ, સુઇગામ, ભાભર, રાહ, ધરણીધર, દિયોદર અને લાખણી તાલુકાના નાગરિકોને ઝડપી, પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે.
વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ
આ નિર્ણયથી આ વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે. ભલે વહીવટી સીમાઓ નવેસરથી નક્કી થઈ રહી હોય, પરંતુ બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લાના નાગરિકો વચ્ચેની લાગણીઓ, સાંસ્કૃતિક એકતા અને સંયુક્ત સંઘર્ષની ભાવના હંમેશાં અખંડ રહેશે. આવતીકાલથી વાવ–થરાદ જિલ્લો સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની શરૂઆત કરાશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લાના નાગરિકોને સંદેશ પાઠવવામાં આવ્યો છે.