logo-img
Chief Minister Bhupendra Patel Praised The Holy Water Of Narmada

સરદાર સરોવર નર્મદા ડેમ થયો છલોછલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના પાવન જળના વધામણાં કર્યા

સરદાર સરોવર નર્મદા ડેમ થયો છલોછલ
Published by: Offbeat Team
| Last Updated: Oct 01, 2025, 02:06 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો તથા 07 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં 17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ 06 વખત - વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025 માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની 138.68 મીટર (455 ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘન મીટર છે.

લોકો સાથે સહજ ભાવે સંવાદ-વાર્તાલાપ કર્યો

રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જળ પૂજન અને વધામણા કરીને આગળ ધપાવી છે. તેમણે પારસમણિ સમાન નર્મદા જળનો કરકસર પૂર્વક અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવાની સૌને અપીલ કરી છે. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સહજ ભાવે સંવાદ-વાર્તાલાપ કર્યો હતો અને વિવિધ ટુરીસ્ટ ફેસેલિટીઝની જાણકારી મેળવી હતી.


રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે

સરદાર પટેલ જન્મ જયંતી 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતીના વિશેષ અવસરે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારિત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.


877 તળાવો ભરવામાં આવ્યા

આના પરિણામે આ વર્ષના ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં 98 MCM (3431 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 877 તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં 114 MCM (3992 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 36 તળાવો, 325 ચેકડેમ અને 31 ડેમ ભરવામાં આવી રહ્યા છે તથા 162 તળાવો, 1104 ચેકડેમ અને 30 ડેમ ભરવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પૂરતું પાણી સરદાર સરોવર ડેમ માંથી વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે નર્મદા બંધનાં ઓવરફ્લોના સમય દરમિયાન પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ જેવી 10 નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલું છે.

ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ 105 કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર 2025મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now