ગુજરાતના સરહદી વિસ્તારમાં સુશાસન, વિકાસના નવા અધ્યાય સાથે આજે વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વર્ષો જૂની માંગણીઓ બાદ આજે વાવ-થરાદને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે કલેક્ટર કચેરીના શુભારંભ સાથે નવનિર્મિત જિલ્લાનું ઉદ્ઘાટન કર્યું છે.
વાવ થરાદમાં 416 ગામડાઓનો સમાવેશ
નવા વાવ-થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ થાય છે જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી ઉપરાંત નવા બનાવાયેલા ઢીમા અને રાહ તાલુકાનો સમાવેશ થાય છે. નવા જિલ્લામાં 2 નગરપાલિકા, 416 ગામડા અને અંદાજે 9 લાખ 78 હજાર 840 લોકોની વસ્તી છે. થરાદ ખાતે નવા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ચાર નવા તાલુકા અસ્તિત્વમાં આવ્યા
આજથી ચાર નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. જેમાં ઓગડ અને હડાદ બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરવામાં આવ્યા છે. નવા બનાસકાંઠા જિલ્લામાં હવે પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ ઉપરાંત ઓગડ અને હડાદ મળીને કુલ 10 તાલુકા છે. થરાદ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નવી શરૂ થયેલ જિલ્લાની ખુશી સાથે ઉત્સવ ઉજવ્યો હતો. વર્ષો લાંબી રાહ જોનાર સરહદી નાગરિકોની માંગ આજે પૂર્ણ થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
નવા જિલ્લાઓમાં અધિકારીઓની નિમણૂંક
સરકાર દ્વારા વાવ-થરાદ જિલ્લાના નવા અધિકારીઓ તરીકે જિલ્લા કલેક્ટર તરીકે જે એસ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચિંતન જે તેરૈયાની નિમણૂક કરવામાં આવી છે. હવે નવા જિલ્લામાં સરકારી સેવાઓ વધુ નજીક મળશે અને વિકાસને વધુ ગતિ મળશે તેવી નાગરિકોમાં આશા છે.