અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરીને બનાવટી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી પોલીસે રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની ₹500ના દરની નકલી નોટો સાથે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસના પ્રાથમિક તારણો મુજબ આ નોટો સુરતથી અમદાવાદમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવી હતી.
આશ્રમમાં છપાતી હતી નકલી નોટો
તપાસ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે કે યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીના આશ્રમ સાથે જોડાયેલી ગાડીમાંથી આ નકલી નોટો મળી આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલ ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં જ આ નકલી નોટો છાપવામાં આવતી હતી. પોલીસે ત્યાં દરોડા પાડી દસ્તાવેજો તેમજ નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબ્જે કર્યા છે.
રાત્રે વોચ ગોઠવી દબોચ્યા
ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં મોડી રાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ હલચલને આધારે પોલીસે 6 શખ્સોને અટકાયત કરીને તેમની પાસેથી ₹500ના દરની આશરે 40 હજારથી વધુ નોટો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત લગભગ ₹2 કરોડ થાય છે.
“અસલી ₹500 આપો અને ₹1500ની નકલી નોટો મેળવો”
આરોપીઓએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે તેઓ બજારમાં નકલી નોટો ફેલાવવા માટે એક લાલચભરી યોજના ચલાવતા હતા. જેમાં “અસલી ₹500 આપો અને ₹1500ની નકલી નોટો મેળવો” જેવી સ્કીમ દ્વારા લોકોને ફસાવવામાં આવતા હતા. અંદાજે ₹2 કરોડની નકલી નોટોની સામે લગભગ ₹66 લાખની અસલી રકમ મેળવવાની યોજના હતી.
વરાછા વિસ્તારમાંથી સંચાલિત
આ સમગ્ર રેકેટ વરાછા વિસ્તારમાંથી સંચાલિત થતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ત્યાં પણ દરોડા પાડી પ્રિન્ટિંગ મશીન અને અન્ય સામગ્રી કબ્જે કરી છે. આરોપીઓ દેશભરમાં આ નકલી નોટો ફેલાવવા માટે એજન્ટો ઉભા કરવાની તૈયારીમાં હતા અને આ માટે વધારે કમિશન આપવાની લાલચ આપતા હતા.
હાલમાં ક્રાઇમ બ્રાન્ચ આ નેટવર્કના અન્ય કનેક્શન શોધવા માટે વધુ તપાસ કરી રહી છે. સાથે જ અગાઉ કેટલા પ્રમાણમાં નકલી નોટો બજારમાં ફેલાઈ ગઈ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જપ્ત કરાયેલી હજારો નોટોના સીરિયલ નંબર નોંધવામાં અને પંચનામું કરવામાં પોલીસને ભારે મહેનત કરવી પડી રહી છે.






