Rajkot News: રાજકોટ શહેર અને જિલ્લાની 800થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આજે 23 જૂનના રોજ 'પ્રગતિનો પ્રવેશોત્સવ' નામ હેઠળ શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ભેટ સોગાદો આપીને આવકારવામાં આવ્યા હતા. જોકે, આ ભવ્ય ઉજવણી વચ્ચે શિક્ષણ જગતમાં એક મોટો વિરોધાભાસ અને વિવાદ સામે આવ્યો છે, જેણે રાજ્યમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.
જસદણમાં હૃદયદ્રાવક ઘટના : પાણીની ટાંકીમાંથી પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળ્યા
મંત્રીનો દાવો અને સત્તાવાર આંકડા વચ્ચેનો તફાવત
આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 6.41 લાખ બાળકોએ અધવચ્ચેથી શાળા છોડી દીધી છે, જેમાં માત્ર રાજકોટ જિલ્લાના જ 32,000 વિદ્યાર્થીઓ સામેલ છે. બીજી તરફ, રાજકોટ તાલુકાના સાયપર ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશ કરાવવા પહોંચેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોનો રેશિયો હવે 0% એ પહોંચી ગયો છે. મંત્રીના આ નિવેદનથી એવું પ્રતીત થાય છે કે જાણે તેઓ શિક્ષણ વિભાગના પોતાના જ સત્તાવાર આંકડાઓથી અજાણ છે.
પ્રવેશોત્સવનો ઇતિહાસ અને સુવિધાઓમાં સુધારો
મંત્રી બાવળિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, "જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તે પહેલાં શાળાઓમાં ભૌતિક સુવિધાઓના અભાવે દીકરા-દીકરીઓ મોટા પ્રમાણમાં ડ્રોપઆઉટ થતા હતા. જોકે, સરકારના અવિરત પ્રયાસોથી સુવિધાઓ વધી છે જેને કારણે ડ્રોપઆઉટ ઘટ્યો છે."
રાજકોટમાં 'ઘર બચાવો'ની પોકાર : વીજ અને નળ કનેક્શન કાપવા મુદ્દે ખોદેલા ખાડામાં જ સૂઈ ગયા વૃદ્ધ
સાયપર ગામની મુલાકાત દરમિયાન તેમણે નોંધ્યું કે 851ની વસ્તી ધરાવતા આ ગામની સરકારી શાળામાં 151 બાળકો અભ્યાસ કરે છે, જ્યાં આજે નવા 16 બાળકોનો પ્રવેશ થયો છે અને 7 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષોનું મહત્વ સમજાવતી પ્રસ્તુતિ કરી હતી.
પ્રથમ દિવસે 15,901 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ
રાજકોટ શહેર અને જિલ્લામાં આજે પ્રથમ દિવસે ધોરણ-1 અને બાલવાટિકામાં કુલ 15,901 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ અંતર્ગત શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલી સંત તુલસીદાસ શાળામાં ધારાસભ્ય રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાલીઓને અપીલ કરી હતી કે તેઓ બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપે.
ગુજરાતમાં કુલ ડ્રોપઆઉટ બાળકો (સત્તાવાર પરિપત્ર મુજબ): 6.41 લાખ
રાજકોટ જિલ્લામાં શાળા છોડી દેનાર બાળકો: 32,000
રાજકોટમાં પ્રથમ દિવસે થયેલ કુલ પ્રવેશ (ધો-1 અને બાલવાટિકા): 15,901
સાયપર સરકારી શાળામાં આજે થયેલ નવો પ્રવેશ: 16 બાળકો
રાજકોટમાં FDAના દરોડાથી ખળભળાટ : ગોંડલની મિસરી સ્પાઈસીસમાંથી રૂ. 1.90 કરોડનો શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ
બાળકોના કૌશલ્ય વિકાસ પર ભાર અને પાઠ્યપુસ્તકોની સ્થિતિ
ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોમાં શાળા પ્રત્યેનો ડર દૂર થયો છે. પહેલા બાળકો રડતા રડતા શાળાએ જતા હતા, જ્યારે હવે વાજતે-ગાજતે અને હસતા મુખે શાળામાં પ્રવેશ મેળવી પોતાની ભવિષ્યની કારકિર્દી કંડારે છે. દાતાઓ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કરવા ભેટ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ મહોત્સવ અંગે તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર શિક્ષણ માટે ખૂબ મોટું ભંડોળ ફાળવે છે. શાળા શરૂ થતાં જ પાઠ્યપુસ્તકો ન મળવા અંગેના સવાલ પર તેમણે વાલીઓને ખાતરી આપી હતી કે આગામી એક-બે દિવસમાં જ તમામ બાળકોને નવા પાઠ્યપુસ્તકો મળી જશે.





