Home Gujarat Arvind Kejriwal Reaction Chaitar Vasava Seven Years Sentence

‘ED પાર્ટી એ કાવતરું ઘડીને...’ : ચૈતર વસાવાને સજા મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન

અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવા
Published by: Chintan Chavda
Last Updated: Jun 23, 2026, 01:04 PM IST

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ રાજકીય પ્રતિક્રિયાઓ તેજ બની છે. આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં ચૈતર વસાવાને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા અને જાહેર નિવેદન મારફતે કહ્યું કે ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી સમાજના પ્રભાવશાળી નેતા છે અને તેમણે આદિવાસી વિસ્તારોના પ્રશ્નો તેમજ વિકાસ માટે મળતા નાણાંના ઉપયોગ અંગે વારંવાર અવાજ ઉઠાવ્યો હતો.

કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાન

કેજરીવાલે પોતાના નિવેદનમાં ભાજપનો સીધો ઉલ્લેખ કર્યા વિના “ED પાર્ટી” શબ્દપ્રયોગ કરીને રાજકીય હુમલો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો, "ED પાર્ટી એ કાવતરું ઘડીને ગુજરાતના ખૂબ જ લોકપ્રિય નેતા ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા અપાવી દીધી. ગુજરાતની જનતા આનો બદલો લેશે." તેમણે આક્ષેપ કર્યો કે આદિવાસી સમાજના હિત માટે આવનારા નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી અને આ મુદ્દે ચૈતર વસાવાએ અનેક વખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ષડયંત્ર રચીને ચૈતર વસાવા સામે ખોટો કેસ કરવામાં આવ્યો અને હવે તેમને સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. કેજરીવાલના જણાવ્યા મુજબ, ચૈતર વસાવાની લોકપ્રિયતા અને પ્રભાવને કારણે રાજકીય રીતે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.

“દબાવવાનો પ્રયાસ તેમને વધુ મજબૂત બનાવશે”

અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે, “જે વિસ્તારમાં ચૈતર વસાવા જેવા નેતા હાજર છે ત્યાં વિરોધી પક્ષ માટે રાજકીય રીતે આગળ વધવું સરળ નથી. લોકશાહીમાં આ પ્રકારની ગુંડાગર્દી ચાલતી નથી. જનતા અંતે પોતાનો નિર્ણય આપે છે.” તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવાને જેટલા દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તેઓ એટલા જ મોટા નેતા તરીકે ઉભરી આવશે. કેજરીવાલે આ મામલાને લોકશાહી અને રાજકીય વિરોધના દમન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

કોર્ટના ચુકાદા બાદ રાજકીય ગરમાવો

નોંધનીય છે કે ચૈતર વસાવા અને તેમની પત્નીને વર્ષ 2023માં વન વિભાગના એક કર્મચારી સાથે સંબંધિત કેસમાં નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ચુકાદા બાદ ચૈતર વસાવાએ પોતે પણ કોર્ટના નિર્ણયનો આદર વ્યક્ત કરતાં આગળની કાનૂની કાર્યવાહી અંગે સલાહ લેવાની વાત કરી હતી. આ કેસને લઈને હવે રાજકીય અને કાનૂની બંને મોરચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટી આ ચુકાદાને રાજકીય ષડયંત્ર તરીકે રજૂ કરી રહી છે, જ્યારે બીજી તરફ કોર્ટના ચુકાદા અને કેસના તથ્યો અંગેની ચર્ચા પણ ચાલી રહી છે.

આગળની કાનૂની પ્રક્રિયા પર નજર

ચૈતર વસાવા તરફથી ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાનૂની પ્રક્રિયાના આગામી તબક્કા અને અપીલ સંબંધિત નિર્ણય બાદ જ આ મામલાની આગળની દિશા સ્પષ્ટ થશે.

હાલ માટે અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ આ મુદ્દો માત્ર કોર્ટરૂમ પૂરતો મર્યાદિત ન રહી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now