અમદાવાદના વટવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ગરબા આયોજક યુવકે વ્યાજખોરના ત્રાસને લીધે આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવાનનું નામ મયંક પરમાર છે, જેઓએ હાથીજણ વિસ્તારમાં આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં “ગેલેક્સી રાસ ગરબા”નું આયોજન કર્યું હતું.
ગરબા આયોજકનો આપઘાત
મળતી માહિતી મુજબ, મયંક પરમારએ પોતાની દુકાનમાં, વટવા જી.આઈ.ડી.સી. નવી વસાહત પાસે, ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
વ્યાજ જીવનો બન્યો વેરી
મયંક પરમારએ આપઘાત કરતા પહેલાં એક સ્યુસાઈડ નોટ લખી છે, જેમાં તેમણે વ્યાજખોરના ત્રાસને કારણભૂત ઠેરવ્યો છે. ચિઠ્ઠીમાં તેઓએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે, અમિત પંચાલ નામના વ્યક્તિએ 10 દિવસ માટે 10 ટકા વ્યાજે પૈસા આપ્યા હતા, અને હવે તે સતત ત્રાસ આપી રહ્યો હતો. ચિઠ્ઠી અનુસાર, અમિત પંચાલ પાસે મયંકના બે ચેક પણ હતા, જેના કારણે અમિત પર માનસિક દબાણ કરતો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
હવે વટવા જી.આઈ.ડી.સી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સ્યુસાઈડ નોટના આધારે અમિત પંચાલ વિરુદ્ધ જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.
મૃતકે સુસાઇડ નોટમાં શું લખ્યું?
તેમણે લખ્યું કે, ''હું મયંક અમૃતલાલ પરમાર મારા બે ચેક અમિત પંચાલ ટોરેન્ટ પાવરમાં કામ કરે છે તેમની પાસે છે.જેમણે મને વ્યાજ પર રૂપિયા આપ્યા હતા. દર 10 દિવસનું 10% વ્યાજ લેતા હતા. મારા બે ચેક એમની પાસે હશે. કોટક બેંક રકમ નથી લખી તેમાં બે લાખ આપ્યા હતા. ગેલેક્સી રાસ કરવામાં મારુ કોઈ પાર્ટનર નથી. તેની કોઈપણ જાતના જવાબદારી બીજા કોઈ મેમ્બરની નથી તેની નોંધ લેવી. ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરેલું હતું જે મારું પોતાનું હતું જેમાં મારું કોઈ પાર્ટનર નથી. રૂપિયાની લેવાદેવડ મારી પોતાની હતી જેમાં પણ નામ છે તે ખાલી અને ખાલી સપોર્ટ માટે હતા. જેનાથી કોઈપણ જવાબદારી તેમની નથી. લગભગ બધાનું પેમેન્ટ 90% આપેલું છે જેનાથી કોઈ ખોટી અફવાઓ ન ઉડાવતા મહેરબાની કરીને''.