પંચમહાલ જિલ્લામાં આવેલા પાનમ ડેમના 2 નંબરના ગેટમાં ડાબી બાજુમાં રબર સીલમાં લીકેજ સર્જાયું છે. લીકેજના કારણે પાણી લિંકેજ થવા લાગ્યું છે. જેના કારણે તંત્રએ તરત જ કામગીરી શરૂ કરી છે. ગેટમાં લીકેજ સર્જાતા, સુરક્ષા દૃષ્ટિકોણે બે નંબરના ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રિપેર અને મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ કરાઈ
આ કામગીરી માટે પાનમ યોજના વર્તુળ વિભાગ, પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની વિશેષ ટીમ સ્થળ પર પહોંચી છે અને ટેકનિકલ રીતે રિપેર અને મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ કરી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન પાનમ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
4200 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું
ડેમની રીપેર અને સુરક્ષા માટેની કામગીરીને ધ્યાનમાં રાખીને, પાનમ ડેમમાં 3300 ક્યુસેક પાણીની આવક સામે 4200 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી પાણીનું સ્તર નિયંત્રિત રહે અને કોઈ પ્રકારની અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય. તંત્રે જણાવ્યું છે કે, સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને જરૂરી તકેદારી સાથે કામગીરી ઝડપથી પુરી કરવામાં આવી રહી છે.