ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે દરેક ભારતીયને સંવિધાને મતનો અધિકાર આપ્યો છે. દેશના બંધારણે સમાનતાના અધિકારના ભાગસ્વરૂપ એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે. દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી સામાન્ય નાગરિક હોય તે દરેકના મતની કિંમત સમાન છે. દેશના લોકોના બંધારણના અધિકાર છીનવવા માટે પારંગત એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાસે આ દેશના લોકો પ્રમાણિકતા અને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચ આજે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગઈ છે''.
ચોર્યાસી બેઠક પર 30,000 કરતા પણ વધારે નામો શંકાસ્પદ
અમિત ચાવડાએ ચૂંટણી પંચ પર આક્ષેપ કરતા કહ્યું કે, ''આખા દેશમાં વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. એટલા જ માટે દેશના જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા સાંસદ રાહુલ ગાંધીજીએ જે દેશના લોકોના મનમાં શંકા હતી કે, ક્યાંકને ક્યાંક ચૂંટણીઓમાં કંઈક ખોટુ થાય છે, ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરતું, ક્યાંક ને ક્યાંક ભાજપને સમર્થન કરે છે. એજ પ્રમાણે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવસારી લોકસભાની ચોર્યાસી બેઠક પર 2,40,000 મતદારોની ચકાસણી કરતા 30,000 કરતા પણ વધારે નામો ક્યાંક શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હતા તે પણ સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે. આમ આખા દેશમાં વોટ ચોરી થઈ રહી છે. વોટ ચોરીથી ચૂંટણીઓ જીતી જવાય છે એટલા માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એકબાજુ મોંઘવારીથી પરેશાન છે, યુવાઓને રોજગાર નથી મળતો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, વેપારીઓના ધંધા-વેપાર ચોપટ થઈ ગયા છે''
''વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં...''
તેમણે કહ્યું કે, ''દેશમાં ભ્રસ્ટાચાર થઇ રહ્યો છે, લૂંટ થઇ રહી છે, દરેક જગ્યા પર ચોરી થઇ રહી છે, પરંતુ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું છે, કોંગ્રેસ પક્ષ ચુપ નહીં રહે આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભા શ્રેત્રોની મતદાર યાદી ચકાસવામાં આવશે અને વર્ષ 2027 સુધીમાં તમામ યાદી ચકાસણી કરી વોટ ચોરોને ખુલ્લા પાડી ગુજરાતના મતદારોના અધિકારનું રક્ષણ કરીશું તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન અને કાર્યકર્તાઓ તા. 3 થી 10 ઓક્ટોબર દરમ્યાન આ ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડીને કોંગ્રેસ પક્ષ લોકશાહી બચાવવા કટિબદ્ધ રહેશે''. વધુમાં કહ્યું કે, ''વોટચોરી અટકાવવા અને તમારા મતાધિકારને બચાવવા 08047358455 નંબર પર મીસ્ડકોલ કરી “વોટ-રક્ષક” બનો''.