બોટાદ શહેરમાં એક શખ્સે પોતાને નકલી ડિફેન્સ રો (RAW) અધિકારી તરીકે ઓળખ આપી લોકોને નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે LCB પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
બોટાદમાં નકલી ડિફેન્સ રો અધિકારીની ધરપકડ
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે બોટાદના નાગલપર દરવાજા પાસેથી મહેશભાઈ કિસ્મતભાઈ ઈસામલિયા નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. મહેશભાઈ બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહે છે. તપાસમાં ખુલ્યું છે કે મહેશભાઈ ઈસામલિયા વાસ્તવમાં ડિફેન્સ રો અધિકારી નથી, છતાં તેણે નિકળેલા ઓળખપત્રના આધાર પર પોતાને રો અધિકારી તરીકે ઓળખાવતો હતો. તે લોકો સાથે જાણીતું થવાનું અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતો હતો. આરોપીએ લોકોને એવું કહીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો કે તે તેમને રો અથવા અન્ય સરકારી વિભાગમાં નોકરી અપાવી આપશે.
પોલીસે તપાસ હાથધરી
પોલીસે તપાસ દરમિયાન મહેશભાઈ પાસેથી અખબારના ઓળખપત્રો પણ ઝડપ્યા છે. મહેશે જે ડિફેન્સ રો અધિકારીનું નકલી ઓળખપત્ર તૈયાર કર્યું હતું તે બોટાદ શહેરના ઓમ ગ્રાફિક્સમાં બનાવાયું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે હવે પોલીસે મહેશ ઈસામલિયા સાથે સાથે ઓમ ગ્રાફિક્સના અંકિત પરમાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે, આવા નકલી ઓળખપત્રો પેહલા પણ કોઈને બનાવવામાં આવ્યા હતા કે નહીં અને આ કૌભાંડ પાછળ બીજું કોઈ છે કે નહીં.