ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ગર વર્ષે આસો સુદ નોમના દિવસે ભવ્ય રીતે વરદાયિની માતાજીની પલ્લી ભરાયા છે, ત્યારે આ વર્ષે પણ માતાજી ઘીની પલ્લી ભરાઈ હતી. આ પલ્લી દેશવિદેશના હજારો ભક્તોને આકર્ષે છે અને શ્રદ્ધાળુઓ માટે આ અવસર ખૂબ જ પવિત્ર અને ભાવનાપ્રેરિત હોય છે.
માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે નીકળે
પલ્લી રાત્રિના સમયે શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળી હતી અને ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ગામના 27 ચોકમાં ફરી હતી. ભગવાનની આરાધનાની આ શોભાયાત્રા સવારે પોણા આઠ વાગ્યા આસપાસ માતાજીના મંદિરે પરત ફરી હતી.
હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
આ પાવન પલ્લીનું વિશિષ્ટ મહત્વ એ છે કે, માતાજીની પલ્લી પર ભક્તો દ્વારા હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગે ગામના રસ્તાઓ પર ખરેખર ઘીની નદીઓ વહેતી હોય તેમ દ્રશ્ય સર્જાય છે. ભક્તો માતાજી પર ઘી અર્પણ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. પવિત્ર ઘીનું આ અભિષેક વર્ષોથી ચાલતી પરંપરા છે અને આજેય એટલી જ શ્રદ્ધાથી નિભાવવામાં આવે છે.
તમામ ધર્મોના લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક
પલ્લીના રથ માટે વિશેષ રીતે ગામના ભાઈઓ ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે, જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ રથ પર માતાજીની પલ્લી ભરાય છે અને આખું ગામ ભક્તિમય બની જાય છે. રુપાલની પલ્લી માત્ર હિન્દુઓ માટે નહિ, પરંતુ તમામ ધર્મોના લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. આ પલ્લી સર્વધર્મ સમભાવનો સંદેશ આપે છે, જ્યાં દરેક ધર્મના લોકો ભેગા મળી ભક્તિ, પરંપરા અને સમરસતાને ઉજવે છે. રૂપાલની વરદાયિની પલ્લી એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પણ એ ગુજરાતી સંસ્કૃતિની વૈભવી પરંપરા, ભક્તિ અને એકતાનું જીવંત ઉદાહરણ છે.