વિજયાદશમી એટલે કે દશેરા પર્વ જેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહ્યો છે. જે સત્યની અસત્ય પર જીતના પ્રતિકરૂપે આ પવિત્ર પર્વની ઉજવણી થાય છે. આવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો અને મા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. એટલે આજે શ્રદ્ધાળુઓ શસ્ત્ર પૂજન પણ કરતા હોય છે, જેને ધાર્મિક દ્રષ્ટિએ ખાસ મહત્વ આપવામાં આવે છે.
દશેરા પર્વ પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ
ગુજરાતમાં ખાસ કરીને દશેરા પર્વ પર ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. આ પાવન દિવસે લોકો સવારથી જ ફરસાણ દુકાનોએ લાઈનમાં ઊભા રહી ગયા છે. અમદાવાદ સહિતના અનેક શહેરોમાં દુકાનોથી બહાર લાંબી કતારો જોવા મળી. ક્યાંક ક્યાંક તો વેપારીઓને ફાફડા-જલેબી માટે એડવાન્સ બુકિંગ પણ મળી ગયા.
ફાફડાનો ભાવ રૂ. 740
આ વર્ષે ભાવ પણ થોડા વધારે છે. એક કિલો ફાફડાનો ભાવ રૂ. 740 છે જ્યારે જલેબી રૂ. 860 પ્રતિ કિલો મળી રહી છે. ઘીથી બનેલી જલેબીનો ભાવ તો રૂ. 900 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભાવ ભલે વધ્યા હોય, છતાં લોકોને ફાફડા-જલેબીનો લ્હાવો લેવામાં ઉલ્લાસ જોવા મળે છે. પર્વની ખુશીઓમાં મીઠાશ અને સ્વાદ વધારતા આ પરંપરાગત વ્યંજનની લોકો મોજ માણી રહ્યાં છે.