મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદર કિર્તીમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયાં હતાં. મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું કે,મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર 'વોકલ ફોર લોકલ'થી આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ પ્રેરણા આપી છે.
વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી
મુખ્યમંત્રીએ અસત્ય પર સત્યના પર્વ વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતિના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. મુખ્યમંત્રીએ અહિંસાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. નમ્રતા વગર મુક્તિ કોઇ કાળે શક્ય નથી. પૂજ્ય બાપુએ ગરીબ અને ગામડાના નાગરિકોના ઉત્થાન માટેની અહાલેક જગાવી હતી. એ યાત્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરાજ્યમાં પલટાવી ગરીબ, વંચિત, પીડિત શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન સાથે આગળ ધપાવી છે.
''નરેન્દ્ર મોદીએ જાતે જ હાથમાં ઝાડૂ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું''
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ હાથમાં ઝાડૂ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે. સ્વચ્છ ભારત મિશન થી નાના બાળકોથી લઈને વડીલો સૌ સ્વછાગ્રહી બન્યા છે. ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાની નેમ અને વિકાસ સાથે પૂજ્ય બાપુએ જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. વડા પ્રધાનએ વોકલ ફોર લોકલ નો સંકલ્પ કર્યો છે અને સ્વદેશી ચળવળ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણ થકી ચારથી પાંચ ગણો વધારો થયો છે મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું. હવે આપણાં ઉદ્યોગો વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવીને ‘આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત’માં સહયોગી બને તે માટે તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ નેક્સ્ટ જનરેશન જી.એસ.ટી રિફોર્મ્સની ભેટ આપી છે. આ ભેટ જનજનના બચત ઉત્સવની સાથે દેશના વિકાસ માટે સ્વદેશીને વેગ આપશે. જે પ્રકારે સ્વરાજ્ય માટે સ્વદેશીનો આગ્રહ તે પ્રકારે ‘સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારત’ને સાર્થક બનાવવા સ્વદેશીને અપનાવવા આજના દિવસે સંકલ્પ કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો
સ્વદેશીની સાથે સાથે જ મોબાઈલ એ માહિતી અને સેવા મેળવવાનું અગત્યનું માધ્યમ છે, એવી આધુનિકીકરણની વાત રજૂ કરતા મુખ્યમંત્રીએ કિર્તીમંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યૂઆર કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવનકવન વિશે આંગળીઓના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવા પૂજ્ય બાપુના નેતૃત્વમાં 1947માં આપણને આઝાદી મળી હવે 2047માં આઝાદીની શતાબ્દિ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક આપણને મળી છે. 2047 સુધી આ અમૃતકાળની યાત્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના વિચાર સાથે આગળ વધારીએ. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને હ્રદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો.