વડોદરા એરપોર્ટ પર તપાસ દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં દિલ્હી જતી ફ્લાઈટમાં મુસાફરી કરવા પહોંચેલા વિદેશી નાગરિકની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી કારતૂસ મળી આવતા હડકંપ મચ્યો હતો. સુરક્ષામાં તૈનાત જવાનોને સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુ જણાતા વિદેશી મુસાફરની બેગ ચેક કરતા આ શંકાસ્પદ બોક્ષ દેખાયું હતું. જેના પગલે તાત્કાલિક હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પૂછ પરછ અર્થે વિદેશી નાગરિકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
'આ વિદેશી નાગરિક ગત 9 સપ્ટેમ્બરે વડોદરાના રનોલી આવ્યો હતો'
હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર શંકર વસાવાએ કહ્યું કે, 'યુ.કે.ના નાગરિક 48 વર્ષીય સાયમન જેફરી હેરિસ દિલ્હી જવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. બેગમાંથી ખાલી કેસ મળ્યા બાદ તેમને પોલીસે કસ્ટડીમાં લઈ પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાયમન એન્જિનિયર છે અને ગત 9 સપ્ટેમ્બરે વડોદરાના રનોલી ખાતે આવેલી ગૃનેર રીન્યુએબલ એન્જિનિયરિંગ પ્રા. લી. કંપનીમાં કામ માટે આવ્યા હતા. ખાલી કેસ અંગે પૂછતાં તેમણે અજાણતા દર્શાવી હતી અને આ ખોખા તેમની બેગમાં કેવી રીતે આવ્યા તે અંગે અજાણ હોવાની વાત કરી હતી'.
મામલો ગંભીર!
અત્રે જણાવીએ કે, આ સમગ્ર મામલો ગંભીર જણાતા કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએને જાણ કરતા તે એજન્સીઓએ પણ પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ બેગમાંથી મળેલા ખાલી ખોખા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પરંતુ આ ખાલી કેસ વિદેશી નાગરિકની બેગમાં આવ્યા ક્યાંથી તે હજી પણ રહસ્યમય બની રહ્યું છે. જો કે, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.