ગીરસોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં અમદાવાદ નજીકના સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા ખૂની હુમલા અને લૂંટના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે.
દેવાયત ખવડ સહિતના આરોપીઓના જામીન રદ
લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને ફોજદારી કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા જામીન વેરાવળની સેશન્સ કોર્ટે રદ કર્યા છે. એટલું જ નહીં, કોર્ટે આરોપીઓને આજે જ તાલાલા પોલીસ સમક્ષ હાજર થવાનો પણ હુકમ કર્યો છે.
વિવાદના કારણે હુમલો
ડાયરા કાર્યક્રમને લઇને થયેલા વિવાદ બાદ દેવાયત ખવડ અને અન્ય આરોપીઓએ ધ્રુવરાજસિંહ પર હુમલો કરી લૂંટ ચલાવ્યાની ફરિયાદ બાદ તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ગીરસોમનાથ એલસીબીએ 17 ઓગસ્ટે સાતેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની અરજી પહેલા નામંજૂર
આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા બાદ તાલાલા પોલીસે રિમાન્ડ માગ્યો હતો, પરંતુ નીચલી અદાલતે પોલીસની અરજી નામંજૂર કરી તેમને જામીન પર મુક્ત કર્યા હતા. આ નિર્ણય સામે તાલાલા પોલીસે સેશન્સ કોર્ટમાં રીવીઝન તેમજ પરચુરણ અરજી કરી હતી.
સેશન્સ કોર્ટનો હુકમ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વેરાવળની સેશન્સ કોર્ટે આજે આરોપીઓના જામીન રદ કરી 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આરોપીઓને તાલાલા પોલીસ સમક્ષ તપાસ માટે હાજર થવું પડશે.