logo-img
Gujarat Cm Bhupendra Patel To Send Aid To Punjab Floods Special Train Flagged Off

પંજાબના પૂર પીડિતોની વહારે આવ્યું ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત સામગ્રી ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી

પંજાબના પૂર પીડિતોની વહારે આવ્યું ગુજરાત
Published by: Offbeat Team
| Last Updated: Sep 11, 2025, 07:56 AM IST

Gujarat News: અવિરત વરસાદના કારણે પંજાબમાં સર્જાયેલી પુરની ભયાનક પરિસ્થિતિમાં માનવતા દર્શાવતા ગુજરાતે સહાય માટે પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 સપ્ટેમ્બર, 2025ના રોજ ગાંધીનગર રેલવે સ્ટેશનથી પૂરપીડિત પંજાબ માટે રાહત સામગ્રી ભરેલી વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી.

ગુજરાત સરકારે આ મંજૂર સહાય માનવતાના ધોરણે પૂરગ્રસ્ત પંજાબવાસીઓ માટે મોકલી છે. આ ટ્રેનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ જેમ કે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સહાય પંજાબના હજારો પરિવારો માટે આશાજનક સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંજાબ સરકારને 5 કરોડ રૂપિયાનો ચેક પણ સોંપ્યો છે.

ગુજરાત સરકારે કુલ 11 વેગનમાં સામગ્રી મોકલી છે, જ્યારે બીજેપી પ્રદેશ એકમ તરફથી પણ 11 વાહનો સહાય સામગ્રી સાથે મોકલવામાં આવ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશના કોઈપણ ખૂણે આપત્તિ આવે ત્યારે ગુજરાતના લોકો અને સરકાર સર્વપ્રથમ મદદ માટે તત્પર રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોને મળીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. PMએ તાત્કાલિક રાહત અને બચાવ માટે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.


આ પૂરથી પંજાબમાં અત્યાર સુધી 46 લોકોએ જાન ગુમાવી છે અને 1.75 લાખ હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે. ગુજરાત સરકારે છત્તીસગઢ માટે પણ 8000 જેટલી કીટ તૈયાર કરી છે, જેમાં પૂરની પરિસ્થિતિ બાદ જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ગુજરાતની આ સહાય માત્ર સામગ્રી પુરવઠા પૂરતી જ નથી, પણ ભારતના સંવેદનશીલ અને સહયોગી સ્વભાવનું દર્પણ પણ છે. રાજ્ય અને કેન્દ્રના સહિયારા પ્રયાસો પૂરના કારણે પ્રભાવિત લોકોને પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now