Mahisagar Nal Se Jal Yojana Scam : મહીસાગર જિલ્લામાં 123 કરોડના નળ સે જળ યોજના કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સફળતા હાંસલ કરી છે. કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકીના વધુ એક ઇજારેદાર જયંતી હીરાભાઈ પટેલની ધરપકડ કરી છે. આરોપીને બાલાસિનોરના કઠૈયા ખાતેથી રાત્રે પકડી પાડવામાં આવ્યો હતો.
ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી
તારીખ 22 જૂનના રોજ હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરામાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ CID ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, કૌભાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરો નહીં, પણ તત્કાલીન સરપંચો, તલાટીઓ તેમજ વાસ્મોના કર્મચારીઓ પણ સંડોવાયા છે.
9 આરોપીઓને ઝડપી લેવાયા
આજ સુધીમાં CID ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4 કર્મચારી તેમજ 5 ઇજારેદાર મળીને કુલ 9 આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કૌભાંડમાં અન્ય ઈજારેદારો અને જવાબદાર લોકો હવે ભૂગર્ભમાં છુપાઈ ગયા છે. હાલમાં 16 જેટલા આરોપીઓએ આગોતરા જામીન માટે અરજીઓ દાખલ કરી છે, પરંતુ તેમાથી 5 આરોપીઓની અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે જ્યારે અન્ય અરજીઓ પર સુનાવણી ચાલુ છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે હવે તત્કાલીન સરપંચો અને તલાટીઓની પણ યાદી મેળવી લીધી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ લોકોએ પણ કૌભાંડમાં સહભાગી રહીને સરકારી નાણાંનો દુરૂપયોગ કર્યો છે. કૌભાંડમાં એક એચ એજન્સીના નામે કામ કરાયું હોવાનું પણ ખુલ્યું છે.
કોણ કોણ છે 12 આરોપીઓ?
123 કરોડના આ નલ સે જલના મહા કૌભાંડ મામલે 12 લોકો સામે 22 જૂને વાસ્મો મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી.
(1) એ.જી.રાજપરા, તત્કાલીન યુનિટ મેનેજર
(2) સન્ની રસિકભાઈ પટેલ, જિલ્લા કો-ઓડીનેટર
(3) અમિત એમ. પટેલ, ઈન્ચાર્જ જીલ્લા કો-ઓડીનેટર
(4) વૈભવ બી સંગાણી, આસીસ્ટન્ટ
(5) મૌલેશકુમાર વિનોનદભાઈ હિંગુ, આસીસ્ટન્ટ મેનેજર, ટેકનીકલ
(6) દશરથભાઇ રામસિંહ પરમાર, આસીસ્ટન્ટ ટેકનીકલ
(7) ભાવિકકુમાર નવિનભાઈ પ્રજાપતિ, આસીસ્ટન્ટ ટેકનીક
(8) કર્મવીરસિંહ મહેન્દ્સિંહ સિસોદીયા, આસીસ્ટન્ટ મેનેજ૨ ટેકનીકલ
(9) અલ્પેશકુમાર જયંતિસિંહ પરમાર, આસીસ્ટન્ટ મીકેનિકલ
(10) સુરપાલસિંહ બહાદુરસિંહ બારીઆ, આસીસ્ટન્ટ મેનેજર ટેકનીકલ
(11) વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર, આસીસ્ટન્ટ મેનેજર, ટેકનીકલ
(12) પાર્થકુમાર જગદીશભાઇ પટેલ, આસીસ્ટન્ટ ટેકનીકલ